અરેબિયન સમુદ્ર અને હોર્ન ઓફ આફ્રિકા નજીક ફરી એકવાર સમુદ્રી ચાંચિયાઓનો ખતરો ગંભીર બન્યો છે.યમન અને સોમાલિયાના દરિયાઈ વિસ્તારમાં બે અલગ-અલગ ઘટનાઓમાં ચાંચિયાઓએ બે કોમર્શિયલ જહાજોને હાઈજેક કરી લીધા હોવાની માહિતી સામે આવી છે.બંને જહાજોમાં કુલ 22 ભારતીય નાગરિકો સવાર હતા.
પ્રથમ ઘટનામાં ઈરિટ્રિયાનો ઝંડો ધરાવતા તેલ ઉત્પાદક ટેન્કર ‘M.T. Sibu 1’નું યમન તટથી આશરે 30 નોટિકલ માઈલ દૂર અદનની ખાડીમાં ચાંચિયાઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ જહાજ પર કુલ 20 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી 16 સભ્યો ભારતીય નાગરિકો છે. બાકીના ક્રૂ મેમ્બર્સમાં સીરિયા, સુદાન અને ઈરાકના નાગરિકો સામેલ છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગના અહેવાલ મુજબ, હાલ તમામ 20 ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાની માહિતી છે, પરંતુ જહાજની વર્તમાન સ્થિતિ અંગે વધુ અપડેટ મેળવવામાં આવી રહી છે.
બીજા જહાજનું 20 ઓગસ્ટના રોજ સોમાલિયાના પુંટલેન્ડ તટ નજીક કેમરૂનના ઝંડાવાળા કાર્ગો જહાજ ‘M/V LUTUF’ને ચાંચિયાઓએ હાઈજેક કર્યું હતું. આ જહાજ પર 10 સભ્યોનો ક્રૂ હતો, જેમાંથી 6 ભારતીય નાગરિકો છે. આ જહાજ મોગાદિશુ સ્થિત તુર્કીના સૈન્ય તાલીમ કેન્દ્ર માટે શસ્ત્રો, સંચાર અને સેટેલાઈટ ઉપકરણો લઈ જઈ રહ્યું હતું. આશરે 8 ચાંચિયાઓએ જહાજ પર કબજો જમાવી તેને નૂગાલ તટ તરફ વાળી દીધું છે.
આ બંને ઘટનાઓ સામે આવ્યા બાદ ભારતીય તંત્ર પણ તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. દરિયાઈ પ્રશાસન અને સંબંધિત રિક્રૂટમેન્ટ એજન્સીઓ પાસેથી સમગ્ર મામલે તાત્કાલિક રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
ભરતી એજન્સીઓ દ્વારા હાઈજેક થયેલા જહાજોમાં સવાર ભારતીય નાવિકોની તમામ વિગતો શિપિંગ ડાયરેક્ટોરેટને સોંપી દેવામાં આવી છે.હવે ભારતીય નૌકાદળ અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. હાઈજેક થયેલા બંને જહાજો અને તેમાં સવાર ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે છોડાવવા માટે જરૂરી તમામ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ભારતીય નાવિકોની સુરક્ષા અને તેમની સલામત વાપસી હાલ તંત્રની સૌથી મોટી પ્રાથમિકતા બની છે.
