વડોદરા-દિલ્હીની એર ઇન્ડિયાની ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ થતા મુસાફરોનો હોબાળો

વડોદરાના હરણી એરપોર્ટ પરથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અચાનક કેન્સલ થતાં મુસાફરોમાં ભારે રોષ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આજે સવારે ઉડાન ભરનારી…

વડોદરાના હરણી એરપોર્ટ પરથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અચાનક કેન્સલ થતાં મુસાફરોમાં ભારે રોષ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આજે સવારે ઉડાન ભરનારી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-1808 ને ટેકનિકલ કારણોસર રદ કરવાની ફરજ પડતા વહેલી સવારથી પહોંચેલા સેંકડો મુસાફરો અટવાયા હતા, અને તેમણે ગ્રાઉન્ડ સ્ટાફ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ગઇકાલે પણ વડોદરા-દિલ્હીની ફલાઇટમાં એક કલાક સુધી એસી- લાઇટો બંધ થઇ જતા ભારે બબાલ મચી હતી ત્યાં આજે ફલાઇટ રદ થઇ હતી.

એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, ફ્લાઇટ નિર્ધારિત સમયે ઉડાન ભરે તે પહેલાં જ તેના એન્જિન અથવા સિસ્ટમમાં મોટી ટેક્નિકલ ખામી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પ્લેનમાં સવાર મુસાફરોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું જોખમ ન લેવાના આશયથી એરપોર્ટ ઓથોરિટી અને એરલાઇન્સના ટેક્નિકલ સ્ટાફ દ્વારા તાત્કાલિક ફ્લાઇટ રદ કરવાનો આખરી નિર્ણય લેવામાં આવ્યો હતો.વહેલી સવારથી એરપોર્ટ પહોંચેલા મુસાફરોને બોર્ડિંગ પ્રક્રિયા દરમિયાન જ ફ્લાઇટ રદ થયાની જાહેરાત સાંભળવા મળી હતી. એરપોર્ટ પર હાજર ઘણા મુસાફરો એવા હતા જેમને દિલ્હીથી અમેરિકા, ઞઊં અથવા ભારતના અન્ય રાજ્યોની કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની હતી. આ ઉપરાંત કેટલાક મુસાફરો દિલ્હી ખાતે તાકીદની બિઝનેસ મિટિંગ કે સરકારી કામ માટે જઈ રહ્યા હતા, પરંતુ ફ્લાઇટ કેન્સલ થતાં તેમનું શિડ્યુલ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. આ કટોકટી સર્જાતા એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફે રોષે ભરાયેલા મુસાફરોને શાંત પાડવાના પ્રયાસ કર્યા હતા.

કંપની દ્વારા મુસાફરોની સુવિધા માટે બે વિકલ્પો આપવામાં આવ્યા છે. જે મુસાફરોને દિલ્હી જવું અત્યંત જરૂૂરી છે, તેમની ટિકિટ આગામી ઉપલબ્ધ અન્ય ફ્લાઇટમાં એડજસ્ટ (સમાયોજિત) કરી આપવામાં આવશે. જયારે જે મુસાફરો પ્રવાસ લંબાવવા માંગતા નથી કે વૈકલ્પિક વ્યવસ્થા કરી ચૂક્યા છે, તેમને ટિકિટના પૂરેપૂરા પૈસા (ફુલ રિફંડ) પરત કરવામાં આવશે. એરપોર્ટ પર જ એર ઇન્ડિયાના કાઉન્ટર પર રિફંડ અને રિ-બુકિંગ માટેની વિશેષ પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવી હતી.