ભજન-ભોજન અને અલખનાં નાદ સાથે 9 લાખ ભાવિકોની પરિક્રમા પૂર્ણ

ગિરનારની લીલી પરિક્રમા એટલે માત્ર પગપાળા ચાલીને ધાર્મિક યાત્રા પૂર્ણ કરવાનો અવસર નહીં, પરંતુ પ્રકૃતિના ખોળે જીવનની સાદગી, દેશી ભોજનની મીઠાશ અને સહિયારા આનંદને માણવાનો…

ગિરનારની લીલી પરિક્રમા એટલે માત્ર પગપાળા ચાલીને ધાર્મિક યાત્રા પૂર્ણ કરવાનો અવસર નહીં, પરંતુ પ્રકૃતિના ખોળે જીવનની સાદગી, દેશી ભોજનની મીઠાશ અને સહિયારા આનંદને માણવાનો પણ અનોખો લહાવો. ગિરનારના ગાઢ જંગલની હરિયાળી વચ્ચે ભક્તિના રંગે રંગાયેલા ભાવિકો કુદરતી સૌંદર્યની સાથે કાઠિયાવાડી ભોજનની જમાવટનો પણ ભરપૂર આનંદ માણી રહ્યા છે. અનેક પરિક્રમાર્થીઓ પોતાની સાથે રસોઈનો સામાન લઈને આવે છે અને જંગલમાં ચૂલો સળગાવી બાજરીના રોટલા, રીંગણાનો ઓળો સહિતની દેશી વાનગીઓ તૈયાર કરી સાથે બેસીને ભોજનની મોજ માણે છે.

શહેરોની ભાગદોડથી દૂર જંગલના ખુલ્લા આકાશ નીચે ચૂલા પર તૈયાર થતી રસોઈ અને તેની સુગંધ પરિક્રમાના આનંદમાં એક અલગ જ રંગ ભરી રહી છે.દરમિયાન, પરિક્રમાના બીજા પડાવ ગણાતા નળપાણીની ઘોડી ખાતેથી મળેલી વિગતો મુજબ આજે સવારે 9 વાગ્યા સુધીમાં અંદાજે 9 લાખ જેટલા ભાવિકો આ માર્ગેથી પસાર થઈ ચૂક્યા હતા, જ્યારે આશરે 7 લાખ જેટલા શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી વતન તરફ પ્રયાણ કરી ચૂક્યા હતા.

લાખોની સંખ્યામાં ઉમટેલા ભાવિકોના જય ગિરનારીના નાદથી ગિરનારની ગિરિકંદરાઓ ગુંજી ઊઠી છે. એક તરફ ભક્તિનો ભાવ, બીજી તરફ પ્રકૃતિનો અદભુત નજારો અને તેની વચ્ચે દેશી ભોજનની મોજ… આમ ગિરનારની લીલી પરિક્રમા શ્રદ્ધા, પ્રકૃતિ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ બની રહી છે.