પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ તેઓ બાથરૂૂમમાં પગ લપસી જતા પડી ગયા છે અને તેમના માથામાં ગંભીર ઈજા પહોંચી છે. ઘટના બાદ તેમને સારવાર માટે રાવલપિંડી સ્થિત મિલિટરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ બાજવાને માથાના ભાગે ઈજા થઈ છે અને ડોક્ટરોની ટીમ તેમની નજીકથી દેખરેખ રાખી રહી છે.
હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે, પરંતુ સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે થોડો સમય લાગી શકે છે.
તબીબો જરૂૂરી તમામ તપાસ અને સારવાર આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જનરલ કમર જાવેદ બાજવા 2016થી 2022 સુધી પાકિસ્તાનના આર્મી ચીફ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન દેશની સુરક્ષા નીતિ, ભારત-પાકિસ્તાન સંબંધો અને આંતરિક સુરક્ષા મુદ્દાઓને લઈને તેઓ ચર્ચામાં રહ્યા હતા.
જો કે નિવૃત્તિ બાદ પણ તેઓ પાકિસ્તાનની રાજકીય અને સુરક્ષા પરિસ્થિતિ અંગે અવારનવાર ચર્ચામાં રહેતા હતા. તેમના ઘાયલ થવાના સમાચાર સામે આવતા પાકિસ્તાનમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સત્તાવાર રીતે તેમની તબિયત અંગે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ડોક્ટરોના કહેવા મુજબ હાલ કોઈ જીવલેણ જોખમ નથી.

