પાકિસ્તાનની ટ્રમ્પ સાથે ગદ્દારી? ઇરાની વિમાનોને આશરો આપ્યો

  અમેરિકાની ચમચાગીરી સાથે ઇરાનના સૈન્ય વિમાનોને નૂર ખાન એરબેઝ પર આશરો આપ્યાનો અહેવાલમાં ધડાકો ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે પાકિસ્તાનની…

 

અમેરિકાની ચમચાગીરી સાથે ઇરાનના સૈન્ય વિમાનોને નૂર ખાન એરબેઝ પર આશરો આપ્યાનો અહેવાલમાં ધડાકો

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે પાકિસ્તાનની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અને અમેરિકી અધિકારીઓના હવાલેથી સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને તેના નૂર ખાન એરબેઝનો ઉપયોગ ઈરાની સૈન્ય વિમાનોને અમેરિકાના હુમલાથી બચાવવા માટે કરવા દીધો હતો. એક તરફ ઈસ્લામાબાદ બંને દેશો વચ્ચે મધ્યસ્થી હોવાનો દાવો કરી રહ્યું હતું, ત્યારે બીજી તરફ તે ગુપ્ત રીતે તેહરાનને સૈન્ય મદદ કરી રહ્યું હોવાનું બહાર આવ્યું છે.

CBS ન્યૂઝના અહેવાલ મુજબ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલના પ્રારંભમાં યુદ્ધવિરામની જાહેરાત કરી તેના થોડા સમય બાદ જ ઈરાને તેના અનેક સૈન્ય વિમાનો રાવલપિંડી પાસે આવેલા પાકિસ્તાન એરફોર્સના ’નૂર ખાન એરબેઝ’ પર ખસેડ્યા હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે, આ વિમાનોમાં ઈરાની વાયુસેનાનું RC-130 રિકોનિસન્સ વિમાન પણ સામેલ હતું. આ પગલાનો મુખ્ય હેતુ ઈરાનની બાકી રહેલી સૈન્ય વિમાન સંપત્તિને અમેરિકાના સંભવિત વિનાશક હુમલાઓથી સુરક્ષિત રાખવાનો હતો. માત્ર પાકિસ્તાન જ નહીં, ઈરાને તેના નાગરિક વિમાનો પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં પણ મોકલ્યા હોવાના અહેવાલ છે. કાબુલ અને હેરાત એરપોર્ટ પર મહાન એરના વિમાનો જોવા મળ્યા હતા. જોકે, અફઘાનિસ્તાનના તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ અહેવાલોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે ઈરાનને વિમાનો અહીં ખસેડવાની કોઈ જરૂૂર નથી.

પાકિસ્તાન માટે આ સ્થિતિ ’સુડી વચ્ચે સોપારી’ જેવી છે. તે વોશિંગ્ટન સાથેના ગાઢ સંબંધો જાળવી રાખવા માંગે છે, પરંતુ સાથે જ તે તેહરાન અથવા ચીનને નારાજ કરી શકે તેમ નથી. નોંધનીય છે કે, વર્ષ 2020થી 2024 વચ્ચે પાકિસ્તાનની 80ક ટકા હથિયારોની આયાત ચીનમાંથી થઈ છે. ચીને પાકિસ્તાનની મધ્યસ્થી તરીકેની ભૂમિકાના વખાણ કર્યા હતા, પરંતુ હવે આ નવા ખુલાસાથી પાકિસ્તાનની રાજદ્વારી મુશ્કેલીઓ વધી શકે છે.

અમેરિકાના સેનેટરની ચેતવણી
અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રેહામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે, “જો આ અહેવાલ સાચો છે, તો ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની ભૂમિકાનું સંપૂર્ણ પુન:મૂલ્યાંકન કરવું પડશે.” તેમણે પાકિસ્તાનના ઈઝરાયલ પ્રત્યેના વલણને જોતા આ ઘટના સત્ય હોવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.