ક્રાઇમ
દ્વારકામાંથી પાક. જાસૂસ ઝડપાયો, કોસ્ટ ગાર્ડની માહિતી આપ્યાનો ધડાકો
ગુજરાત એટીએસની ટીમે દેવભુમી દ્વારકામાંથી એક શખ્સને પાકીસ્તાની જાસુસી એજન્સી માટે જાસુસી કરતા ઝડપી લીધો હતો. આ શખ્સની વિશેષ પુછપરછ શરૂ કરવામાં આવી છે અને આ મામલે હજુ પણ મોટા ખુલાસા થઇ શકે છે. ગુજરાત એટીએસે ઝડપી પાડેલો આ જાસુસ કોસ્ટ ગાર્ડની માહીતી પાકિસ્તાની જાસુસી એજન્સીને પહોંચાડતો હતો. આ શખ્સને હની ટ્રેપમાં ફસાવી જાસુસી કરાવવામાં આવી હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે. હાલ એટીએસના કબજામાં રહેલા શખ્સની વિશેષ પુછપરછ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ ગુજરાત એટીએસના વડા દિપેન ભદ્રન અને તેમની ટીમે બાતમીને આધારે દેવભુમી દ્વારકામાં એક ગુપ્ત ઓપરેશન કરી પાકિસ્તાની જાસુસને ઝડપી લીધો હતો. દેવભુમી દ્વારકામાં રહેતા દિપેશ ગોહીલ નામના શખ્સને એટીએસે ઉઠાવી લીધો હતો. પ્રાથમીક પુછપરછ અને તપાસમાં દિપેશ ગોહીલ પાકિસ્તાની જાસુસી એજન્સી માટે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. દિપેશ ભારતીય જળ સીમામાં પેટ્રોલીંગ કરતી કોસ્ટગાર્ડની શીપની મુવમેન્ટ જાણી આ ગતીવીધી અંગેની માહિતી પાકિસ્તાની જાસુસી એજન્સીને મોકલતો હતો.
ગુજરાત એટીએસની ટીમે દિપેશની વિશેષ પુછપરછ શરૂ કરી છે. દિપેશ કઇ રીતે પાકિસ્તાની જાસુસી એજન્સીના સંપકર્ર્માં આવ્યો અને તે કેટલા સમયથી દેશ વિરોધી પ્રવૃતી કરતો હતો તેને આ માહીતી બદલ પાકિસ્તાની જાસુસી એજન્સી દ્વારા જાસુસી માટે કેટલી રકમ આપવામાં આવતી હતી તે સહીતની બાબતો ઉપર તપાસ કેન્દ્રીત કરવામાં આવી છે. દિપેશને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યાની શંકા પણ સેવાઇ રહી છે.