પાકિસ્તાની પ્રજા ઘણા લાંબા સમયથી અશાંત છે. અફઘાનિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટો મુસ્લિમોના આંતરિક સંઘર્ષને બતાવતા ચાલુ જ રહ્યા છે. અફઘાનિસ્તાનમાં શિયા મુસ્લિમો લઘુમતીમાં છે અને તેઓનો સમુદાય જ આતંકવાદીઓના નિશાન પર છે. છેલ્લા બે-ત્રણ વરસથી અફઘાનિસ્તાનમાં શિયા સમુદાય પર સતત હૂમલાઓ થતા રહ્યા છે. ઈરાક અને સિરિયા વચ્ચે રઝળતો અને છૂપાતો ફરતો આઈએસનો વડો અબુ બકર અલ બગદાદી માર્યો ગયો પછી એના અનુગામી કમાન્ડરો અનેકવાર શિયાઓને અફઘાનિસ્તાન ખાલી કરવાનું કહી ચૂક્યા છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓને પનાહ આપવાનું સુગમ અને સરળ હોવાથી ઈસ્લામિક સ્ટેટે પાકિસ્તાનમાં પ્રવૃત્તિઓ વધારી દીધી છે. ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલા બાદ આઈએસના આતંકવાદીઓમાં પણ નાસભાગ મચી છે. છેલ્લા એક જ સપ્તાહમાં વિવિધ અથડામણોમાં પાકના એકસો વીસથી વધુ સૈનિકો માર્યા ગયા છે.
પાકિસ્તાનમાં બલોચ નાગરિકોએ ઉત્પાત મચાવ્યો છે. ભારતના ઓપરેશન સિંદુર પછી બલુચિસ્તાનના અલગાવવાદી કમાન્ડરોએ પાકિસ્તાન સરકારના સ્થાનકો પર હુમલાઓ વધારી દીધા છે. પાકિસ્તાન આ બલોચ પ્રજાને કારણે હવે એક સમાંતર ગૃહયુદ્ધને આરે આવી ઉભું છે. પાકિસ્તાને તબક્કાવાર પોતાના કબજા હેઠળના કાશ્મીરમાં સેટેલાઈટ કેમેરાઓના ડરથી આતંકવાદીઓને માટે બંકરો પણ બનાવ્યા છે.
છાવણીઓને પાક – અફઘાન સરહદે ખસેડવાની મુરાદ રાખે છે પરંતુ તાલિબાની શાસકોએ અનેકવાર પાકિસ્તાનમાં છુટક સૈન્ય કાર્યવાહી કરેલી છે. આજકાલ નાઈજિરિયામાં જે કામ બોકો હરામ નામક આતંકવાદી સંગઠન કરે છે તે જ કામ આઈએસના તત્ત્વો અને તાલિબાનો અફઘાન પ્રજામાં કરી રહ્યાં છે. બોકો હરામ નાઈજિરિયામાં શાળાએ જતી મુસ્લિમ વિદ્યાર્થિનીઓનું વારંવાર સામુહિક અપહરણ કરે છે અને સમયાંતરે તેને મુક્ત પણ કરે છે, બોકો હરામ આમ તો ઈસ્લામિક સ્ટેટથી પણ જૂનું આતંકવાદી સંગઠન છે. આજકાલ બોકો હરામે નાઇજિરિયા માથે લીધું છે. આઈએસ અને બોકો હરામ જૂથ એક થઈ જવાની વાતો ખાડીના દેશોએ ટેલિવિઝન ચેનલ પર પ્રસારિત કરી હતી અને કેટલાક આરબ શસ્ત્ર વેપારીઓ તેના મધ્યસ્થી પણ હતાં.
છતાં તે વાટાઘાટો કારગત નીવડી ન હતી. પછી એકાએક જ બોકો હરામના કમાન્ડરોએ પોતાને ઇસ્લામિક સ્ટેટના એક ભાગ તરીકે જાહેર કરેલા છે. ઈસ્લામિક સ્ટેટના નવા વારસદારો અફઘાનિસ્તાનમાં નવસેરથી અફીણની ખેતી અને નિકાસ કરવા ચાહે છે. અમેરિકાએ કરેલી બોમ્બવર્ષાને કારણે ઉજ્જડ થઈ ગયેલા અફઘાન ખેતરોમાં હવે નવી હવા આવવા લાગી છે એટલે એમની નજર અફઘાન પ્રજા તરફ છે. આતંકવાદની સાથે મુસ્લિમોની એકતાનું સતત ખંડન કરવું અને એશિયા – સુન્ની વચ્ચે વધુમાં વધુ વૈમનસ્ય ફેલાવવું એ આઈએસની મૂળભૂત થિયરી છે. અફઘાનિસ્તાનને ઈસ્લામિક ગણરાજય તરીકે જ ઓળખાવવામાં આવે છે પરંતુ તાલિબાનો દ્વારા જે કટ્ટરતા દાખલ કરવામાં આવી છે તે અને શિયા મુસ્લિમોને લઘુમતી તરીકે જે રીતે હેરાન કરવામાં આવે છે તે ઈસ્લામિક સ્ટેટના ઈશારે જ થાય છે.
અફઘાનિસ્તાનમાં વેશપલટો કરીને સામાન્ય જનજીવનમાં ગોઠવાઈ ગયેલા ઉદ્દામ મુજાહિદ્દીનોની સંખ્યા પણ નાનીસૂની નથી. સમગ્ર એશિયામાં ભારતના વધતા જતા પ્રભુત્વને કારણે અને અફઘાનિસ્તાન સાથે ભારતની ગાઢ મિત્રતાને કારણે અફઘાન-પાક વચ્ચેનું જૂનું વેર ફરી પ્રજ્વલિત થયેલું છે. અફઘાનિસ્તાનની સૌથી લાંબી સરહદ પાકિસ્તાનને સ્પર્શે છે અને એ જ અફઘાન પ્રજાનું દુર્ભાગ્ય છે. રશિયન પ્રજા સામે લડવા માટે ઈ.સ. 1979 થી 1989 ના દાયકામાં અફઘાની મુજાહિદ્દીનોને લડવા માટે આરબ દેશો, બ્રિટન અને અમેરિકાએ જ તાલીમ આપી હતી. એ મુજાહિદ્દીનોમાંથી કેટલાક હજુ પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. ઈન્ડિયન મુજાહિદ્દીન (આઈએમ) પણ એનો જ આધુનિક વંશવેલો છે. અફઘાનિસ્તાનમાં અને બલુચિસ્તાનમાં છેલ્લા એક વરસમાં અનેક વિસ્ફોટો થયા છે, બલુચિસ્તાનની પ્રજા પાકિસ્તાન સામે ગૃહયુદ્ધ જ કરી રહી છે. અપાર પ્રાકૃતિક સંપત્તિ બલુચિસ્તાન પાસે છે જેનો પાક સરકાર એ પ્રાંતની બહાર જ ઉપયોગ કરીને એ પ્રજાને રંક રાખે છે.
ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓનું સંખ્યાબળ ઘટતું જાય છે. તેની પાસેના કુદરતી તેલના કૂવાઓના વ્યવસ્થાપનમાં ગાબડાં પડયા છે. ઉપરાંત પેટ્રોલિયમને કારણે આરબો સાથે સંઘર્ષમાં ઉતરવાનું થાય છે. અબુ બકર અલ બગદાદીએ પણ સદ્દામ હુસેનના પતન પછી ઈરાકી સૈનિકોને પોતાની તરફ લઈને જે જંગ શરૂૂ કર્યો હતો જેને તે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવેન્ટ નામે નવા જ ભૌગોલિક સામ્રાજય તરીકે જોતો હતો, એના ગયા પછી એ સપનાઓ વેરવિખેર થઈ ગયા છે. આરબો હજુ પણ ઈસ્લામિક સ્ટેટ પાસેથી બહુ મોટી સંખ્યામાં સિરિયન યુવતીઓ પ્રાપ્ત કરી રહ્યા છે અને એનો ગેરલાભ લઈને ઈસ્લામિક સ્ટેટે અત્યાર સુધીમાં સસ્તા પેટ્રોલિયમથી કરોડો ડોલરનું ફંડ ઊભું કરેલું છે. હવે એ ફંડ પર બોકો હરામના કમાન્ડરોની નજર છે.

