Site icon Gujarat Mirror

સંઘર્ષને મહાત કરી પરિશ્રમથી પ્લાયવૂડ ઇન્ડસ્ટ્રિમાં પગ જમાવ્યો

ફર્નિચરના રો-મટિરિયલનો બિઝનેસ કરતા ગુજરાતના એક માત્ર મહિલા છે કુંદનબેન કાકડિયા

ઝાડુ-પોતા કર્યા, નોકરી કરી અને અંતે પ્લાયવૂડ બિઝનેસમાં જ પોતાની આગવી ઓળખ બનાવી કુંદનબેન કાકડિયાએ

“કોઈપણ વ્યક્તિને ફર્નિચર બનાવવું હોય ત્યારે રો-મટિરિયલથી લઈને દરેક બાબતની ગાઈડલાઈન અમે આપીએ છીએ. બેડરૂૂમ, કિચન કે લિવિંગ રૂૂમમાં કેવા પ્રકારના ફર્નિચરમાં કયા મટિરિયલની જરૂૂર છે તેનું યોગ્ય માર્ગદર્શન આપીએ છીએ. ઘણી વખત કોઈ બિનજરૂૂરી વસ્તુ હોય તો ખરીદવાની ના પણ પાડીએ છીએ. ફર્નિચરનું દરેક પ્રકારનું રો-મટિરિયલ અમારી પાસે હોય છે છતાં કસ્ટમરનો વિશ્વાસ અમારા માટે ખૂબ મહત્વનો છે.કોઈ વ્યક્તિ એક વખત અમારા શો રૂૂમ પર આવશે તે હંમેશ માટે અમારી પાસેથી જ વસ્તુ લેશે એવો વિશ્વાસ હોય છે.” આ શબ્દો છે કે ડેકોર પેલેસ પ્રાઇવેટ લિમિટેડના માલિક અને પ્લાયવૂડ બિઝનેસના ગુજરાતના એક માત્ર મહિલા કુંદનબેન કાકડીયાના. રાજકોટ મવડી ચોક નજીક ચાર માળના આલીશાન શોરૂૂમમાં ભવ્ય ઓફિસ અને ગોડાઉન સાથે દરેક સગવડતા ધરાવતો આ શોરૂૂમ તેમની મહેનત,લગન,આત્મવિશ્વાસ અને સંઘર્ષનું પરિણામ છે.

તેઓ મૂળ જામનગર નજીક ડાંગરવાડા ગામના. માતા પ્રભાબેન પિતા વેલજીભાઈને ચાર દીકરી અને બે દીકરા હતા જેમાં સૌથી મોટા કુંદનબેન. માતા-પિતાએ દરેકને ભણાવીને યોગ્ય બનાવ્યા પરંતુ કિસ્મત ક્યારે કરવટ બદલે છે તેનો ખ્યાલ કોઈને નથી હોતો. કુંદનબેન પહેલેથી જ ભણવા સાથે ટ્યુશન કરતાં.શાળામાં પણ નોકરી કરી છે.પારકાને પોતીકા બનાવી લે એવા વાણી, વર્તનના કારણે જ્યાં જાય ત્યાં પોતાનું અલગ વર્તુળ બનાવી લેતા. જીવનમાં એક વળાંક એવો આવ્યો કે શૂન્યમાંથી સર્જન કરવાનો વખત આવ્યો. વિધાતાએ જાણે બધા જ દરવાજા બંધ કરી દીધા હોય એવું લાગ્યું પણ હાર માનવાના બદલે વધારે જોશપૂર્વક તેઓ કામમાં લાગી ગયા. એ સમયે હોસ્ટેલમાં રહેવાના પૈસા નહોતા ત્યારે કચરા-પોતા, વાસણ વગેરે કામ કરીને પોતાનો ખર્ચ કાઢતા. ધીમે ધીમે કામની શોધ કરતા રહ્યા અને એક વખત હાર્મની કંપનીમાં નોકરી મળી. એ સમયે તેઓને ખબર નહોતી કે આ માર્ગ તેમના માટે સફળતાનો ઉપહાર લઈને આવશે.

સૌ પ્રથમ રિસેપ્શનનું કામ કર્યું ત્યારબાદ પોતાની મહેનત અને ધગશથી ક્લાર્ક, એકાઉન્ટન્ટ, માર્કેટિંગ, સેલ્સ, પરચેઝ અને અંતમાં તેઓ સીઈઓ બન્યા. નવ મહિનામાં તેઓને પોતાના કામથી આત્મવિશ્વાસ આવ્યો અને એ સાથે પૈસાની મહત્તા પણ સમજાઈ.નોકરીના અનુભવ પરથી પોતાનો જ વ્યવસાય શરૂૂ કરવાનો વિચાર્યું.અનુભવ તો હતો જ અને તેથી પ્લાયવૂડ બિઝનેસમાં જ ઝંપલાવવાનું નક્કી કર્યું.ફર્નિચરના રો-મટિરિયલનું વેચાણ શરૂૂ કરી પુરુષોના આધિપત્યવાળા ક્ષેત્રમાં જ પોતાની આગવી ઓળખ બનાવી.

પ્રારંભના સમય બાબત તેઓ જણાવે છે કે શરૂૂઆતમાં ઓછા નફાથી વધુ કામ કરવાનું નક્કી કર્યું. માઉથ પબ્લિસિટીથી કામ આગળ વધતું ગયું.રતન ટાટા,સવજીભાઈ ધોળકિયા,જ્ઞાનવત્સલ સ્વામીજી મારા પ્રેરણા સ્ત્રોત છે એટલે તેઓના વિચાર પ્રમાણે બિઝનેસમાં આગળ વધતી ગઈ શીખતી ગઈ.આ ફિલ્ડમાં કોઈ મહિલા ન હોવાથી ત્યારે લોકો જોવા આવતા, પૂછપરછ કરતા.આઠ બાય ચારની દુકાનથી શરૂૂઆત કરી ત્યારબાદ એક પછી એક ત્રણ દુકાન, ગોડાઉન વગેરે ખરીદ કર્યું. સ્વર્ગીય નાનાભાઈના નામથી મેહુલ પ્લાયવૂડને એક આગવી ઓળખ મળી બીજા ભાઇ સાથે શરૂ કરેલ આ યાત્રામાં ભાભીને પણ આ બિઝનેસની બારાખડી શીખવી સામેલ કર્યા. હજુ તો સ્થિર થઈ સફળતાનો આનંદ વાગોળું ત્યાં ફરીથી જીવનમાં એવો વળાંક આવ્યો કે સંઘર્ષનું વધુ એક પગથિયું ચડવું પડ્યું.થોડા સમય પહેલાં જ લીધેલ જગ્યામાં પાયાથી લઈ અને ચાર માળ સુધીનું બાંધકામ કરી ફરી એકડો ઘૂંટ્યો. દરેક મુશ્કેલીમાં મારા વેપારી ભાઈઓએ ઘણો સાથ સહકાર આપ્યો છે. પૈસાની જરૂૂર હોય,માલની જરૂૂર હોય કે માર્ગદર્શનની જરૂૂર હોય તેવો હાજર રહે છે એ ઈશ્વર કૃપા છે.

ઘણીવાર લોકો વિચારે કે પુરુષના ક્ષેત્રમાં હું સફળ થઈ છું પરંતુ આગળ વધવા માટે પણ એ ભાઈઓએ જ મને મદદ કરી છે.જીવનમાં અનેક ઉતાર ચડાવ આવ્યા,સારા નરસા અનુભવો થયા પણ કામને જ જીવન મંત્ર બનાવનાર કુંદનબેન ક્યારેય હાર્યા નથી, તેઓ કામમાંથી ક્યારેય રજા રાખતા નથી, બપોરે આરામ કરતા નથી આધ્યાત્મિકતામાં પણ રસ ધરાવે છે અને વધારામાં ગાર્ડનિંગનો શોખ હોવાથી 450 જેટલા કુંડાની માવજત પણ જાતે કરે છે.અનેક સેવાકીય કાર્યોમાં પણ તેઓ અગ્રેસર રહે છે.તેઓને ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ તથા ાબક્ષ સંસ્થામાંથી આઉટ ઓફ ધ બોક્સ સહિત અનેક એવોર્ડ મળ્યા છે પરંતુ તેઓ માટે સાચો એવોર્ડ તેમની સાથે કામ કરતા માણસો, પોતાના કસ્ટમર અને પોતાનું કામ છે.

તેઓ પોતાની સફળતા માટે જ્યાં તેઓ નોકરી કરતા હતા તે હાર્મની કંપની અને નોકરી માટે આંગળી ચીંધનાર ભાવનાબેન મંડલીકનો ખૂબ આભાર માને છે. તેઓનું માનવું છે કે આજે સમાજે મને ઘણું આપ્યું છે તો તેને પાછું આપવાની પણ ફરજ છે તેથી મારે એવા સો છોકરાઓને ટ્રેઈન કરવા છે જે કામ શીખી આર્થિક રીતે પગભર બની શકે. કુંદનબેનનું સ્વપ્ન એક પ્લાયવૂડનું બિઝનેસ હબ બનાવવાનું છે જ્યાં કોઈપણ વ્યક્તિ આવી કામ શીખી શકે, કામ શીખીને કમાઈ શકે અને પોતાનો બિઝનેસ આગળ વધારી શકે. કુંદનબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

કામથી ક્યારેય હાર ન માનો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે કામથી ક્યારેય હાર ન માનો. સમય અને સંજોગો ક્યારેય એકસરખા રહેવાના નથી. હંમેશા સાચી નીતિથી કામ કરો અન્યને મદદરૂૂપ થવા તૈયાર રહો. અન્ય મહિલાને આગળ વધવા માટે આંગળી પકડો.ભગવાન ખૂબ દયાળુ છે જે આપ્યું હશે તે અનેકગણું કરીને આપશે.

Exit mobile version