Site icon Gujarat Mirror

કાલાવડના મોટીમાટલી ગામે પવન ચક્કીનો વિરોધ

જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકાના મોટી માટલી ગામ માં ઓપવિન્ડ એનર્જી પ્રાઇવેટ લી. કંપની અને સ્થાનિક ખેડૂતો સામસામે આવી ગયા છે. જામનગરના કાલાવડ તાલુકાના ખંઢેરા નજીકના મોટી માટલી ગામના ખેડૂતોની આજિવિકા એવા વાડીખેતરોમાં ઓપ વિન્ડ એનર્જી પ્રાઇવેટ લી. નામની કંપનીએ બળજબરીથી વીજતાર બિછાવી દીધા હોવાની ફરિયાદ ખેડૂતો દ્વારા થઈ રહી છે.

મોટી માટલી ગામના ખેડૂત ધીરજલાલ સભાયા, રમેશભાઈ પ્રેમજીભાઈ સહિતના ખેડૂતોની રજૂઆત એવી છે કે, આ કંપની દાદાગીરીથી આ ખેડૂતોના વાડીખેતરોમાં વીજપોલ લગાવી રહી છે અને વીજતાર બિછાવી રહી છે. ખેડૂતો કહે છે: અમારાં પાણીના બોર ઉપર પણ કંપની વીજતાર પાથરે છે. કંપની દ્વારા આ ખેડૂતોને નિયમ મુજબનું પૂરતું વળતર આપ્યું નથી. ખેડૂતો કહે છે: આ વીજપોલ અને વીજતારને કારણે અમારી ખેતીની જમીનના ભાવ ઘટી જશે. જ્યારે આ જમીન બિનખેતી કરાવવાની થાય ત્યારે પણ મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. આ જમીન અમારાં પરિવારો માટે આવકનું એકમાત્ર સાધન છે. આ સમસ્યાઓ વચ્ચે અમે અમારાં પરિવારોનું ભરણપોષણ કેવી રીતે કરી શકીશું ? કંપની અમારૂૂં કાંઈ સાંભળતી નથી, મનમાની કરે છે.તેવું અનેક વાર કંપની અને સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા ના કૃષિ મંત્રી ને પણ રજૂઆત કરેલ છે. છતાં પણ કંપનીના પેટમાં જરાય પાણી પણ હલી રહ્યું નથી. અને આ મહાકાય કંપની નેતાઓને પણ ગાંઠતી નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.

આ ઉપરાંત ખેડૂતોએ એમ પણ કહ્યું છે કે, ગત જૂન માસની 9 તારીખે ધીરજલાલ સભાયા સહિતના અસરગ્રસ્તો દ્વારા કલેક્ટર ઓફિસમાં રજૂઆત ફરિયાદ કરવામાં આવી હતી. રેકર્ડ પરની વિગતો એવી બહાર આવી છે કે, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ ખેરની સહીથી જામનગર ગ્રામ્યના એસડીએમ અને સહાયક વિદ્યુત નિરીક્ષકને 16મી જૂને એક પત્ર પાઠવી એવી સૂચનાઓ આપવામાં આવી હતી કે, ધીરજલાલ સભાયાની રજૂઆત સંબંધે નિયમ અનુસારની કાર્યવાહીઓ કરવામાં આવે અને તે અંગે અરજદારને જાણ કરવામાં આવે. જો કે ખેડૂતોનું કહેવું એમ છે કે, કોઈ અમારી વાત સાંભળતું નથી અને કંપની બળજબરી કરે છે તથા અમને પૂરતું વળતર આપવામાં આવ્યું નથી. આ આખા મામલામાં કંપની વતી કોંગ્રેસના એક હોદ્દેદારનું નામ પણ ચમકયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સમગ્ર જિલ્લામાં આ પ્રકારના વિવાદો ઉભા થતાં હોય, બધાં જ મામલાઓની ચકાસણીઓ થાય એવું પણ ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો સહિતના ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.

Exit mobile version