ઓપરેશન બ્લ્યુ સ્ટારની વરસી, સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાન તરફી નારાબાજી

42મી વરસીએ જરનૈલ સિંહ ભિંડરાનવાલેના પોસ્ટરો સાથે નારાબાજીથી સુરક્ષા એજન્સીઓ સાબદી   પંજાબના ઇતિહાસમાં 6 જૂનની તારીખ ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે, કારણ કે…

42મી વરસીએ જરનૈલ સિંહ ભિંડરાનવાલેના પોસ્ટરો સાથે નારાબાજીથી સુરક્ષા એજન્સીઓ સાબદી

 

પંજાબના ઇતિહાસમાં 6 જૂનની તારીખ ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે, કારણ કે આ એ જ દિવસ છે જેણે દેશની રાજનીતિ, શીખ સમાજ અને સુરક્ષા વ્યવસ્થાને એક નવો વળાંક આપ્યો હતો. ઓપરેશન બ્લુ સ્ટારની 42મી વરસી નિમિત્તે અમૃતસરના પવિત્ર સુવર્ણ મંદિરમાં ફરી એકવાર જૂની યાદો તાજી થતી જોવા મળી હતી. અહીં શ્રી અકાલ તખ્ત સાહિબ નજીક મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેમાંથી કેટલાક લોકોના હાથમાં જરનૈલ સિંહ ભિંડરાનવાલેના પોસ્ટરો હતા અને વાતાવરણમાં ’ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા પણ સંભળાયા હતા.

આ મુદ્દો આજે પણ લોકોની ધાર્મિક લાગણીઓ અને રાજકારણ સાથે જોડાયેલો હોવાથી અહીંનો માહોલ ઘણો નાજુક બની ગયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પંજાબ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સુવર્ણ મંદિરની આસપાસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જો કે, આ દરમિયાન વાતાવરણમાં થોડો તણાવ જરૂૂર જોવા મળ્યો હતો, પરંતુ સ્થિતિ સંપૂર્ણપણે અંકુશમાં રહી હતી.

ઓપરેશન બ્લુ સ્ટાર ભારતીય ઇતિહાસનું એક એવું પ્રકરણ છે, જેના પર આજે 42 વર્ષ પછી પણ ચર્ચા કે વિવાદો શાંત થયા નથી. દેશનો એક પક્ષ તેને આતંકવાદ અને અલગતાવાદ વિરુદ્ધ લેવાયેલું એક જરૂૂરી સૈન્ય પગલું માને છે, જ્યારે બીજો પક્ષ તેને શીખ સમુદાયની ધાર્મિક ભાવનાઓ પર આઘાત તરીકે જુએ છે. આ જ કારણે દર વર્ષે 6 જૂને અમૃતસરમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે અને ભિંડરાનવાલેને યાદ કરે છે. આ વખતે પણ કેટલાય સંગઠનો દ્વારા વિશેષ અરદાસ (પ્રાર્થના) કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે 1984ની સૈન્ય કાર્યવાહીએ આખા શીખ સમાજને ઊંડી પીડા આપી હતી. સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાના નારેબાજી અને પોસ્ટરોવાળા વીડિયો ભારે વાઇરલ થઈ રહ્યા છે.

વાસ્તવમાં ઓપરેશન બ્લુ સ્ટાર 1 જૂનથી 8 જૂન 1984 દરમિયાન ચલાવવામાં આવ્યું હતું. તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધીના આદેશ પર ભારતીય સેનાએ સુવર્ણ મંદિર પરિસરમાં આ મોટી કાર્યવાહી કરી હતી. સેનાનો મુખ્ય હેતુ જરનૈલ સિંહ ભિંડરાનવાલે અને તેના હથિયારધારી સમર્થકોને મંદિરની બહાર કાઢવાનો કે પકડવાનો હતો. આ ઓપરેશન દરમિયાન બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો અને 6 જૂન 1984ના રોજ ભિંડરાનવાલે માર્યો ગયો હતો. બરાબર આ જ કારણે દર ર્વે 6 જૂને તેની વરસી નિમિત્તે પ્રાર્થના કરવામાં આવે છે.

કોણ હતો જરનૈલ સિંહ ભિંડરાનવાલે?
જરનૈલ સિંહ ભિંડરાનવાલેનો જન્મ પંજાબના મોગા જિલ્લાના રોડે ગામમાં થયો હતો. તે શીખ ધાર્મિક સંસ્થા ’દમદમી ટકસાલ’નો વડો બન્યો અને ધીમે ધીમે શીખ રાજકારણનો એક મોટો ચહેરો બની ગયો. શરૂૂઆતમાં તેણે એક ધાર્મિક પ્રચારક તરીકે કામ કર્યું અને શીખ યુવાનોને નશાથી દૂર રહેવા તથા ધાર્મિક પરંપરાઓનું પાલન કરવાની સલાહ આપતો હતો. વર્ષ 1978 પછી તેનો પ્રભાવ ખૂબ ઝડપથી વધ્યો. તેણે ’આનંદપુર સાહિબ પ્રસ્તાવ’નું સમર્થન કરીને પંજાબ માટે વધુ સ્વાયત્તતા અને અધિકારોની માંગણી ઉઠાવી. સમય જતાં સુવર્ણ મંદિર પરિસરને જ પોતાનું મુખ્ય મથક અને આશ્રયસ્થાન બનાવી લીધું હતું, જેના કારણે આખરે ભારતીય સેનાએ ઓપરેશન બ્લુ સ્ટાર શરૂૂ કરવું પડ્યું હતું.