ગુજરાત
વેરાવળની કંપનીમાં ગેસ ગળતરથી એકનું મોત
15 શ્રમિક મહિલા અને ચાર બાળકોને બચાવી લેવાયા, અચાનક ધડાકા સાથે ગેસ લીકેજ થતાં અફરાતફરી મચી
વેરાવળમાં જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ફીશ કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થતા એક શ્રમિકનું મૃત્યુ નીપજેલ જ્યારે અન્ય એક શ્રમિકને ઝેરી અસર થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે તંત્રએ તપાસ હાથ ધરી છે જેમાં સામે શું આવે છે તે જોવું રહ્યુ. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળ જીઆઈડીસીમાં પ્રેસટીઝ મરીન ફીશ કંપનીના મશીન રૂૂમમાં ગત રાત્રીના દોઢેક વાગ્યે આસપાસ અચાનક ધડાકા સાથે એમોનિયા ગેસ લીકેજ થતા અફરાતફરી મચી ગઈ હતી.
ત્યારે ત્યાં નાઈટ શીફટમાં ફરજ બજાવતા 20 વર્ષીય શ્રમિક રવિ અરશીભાઈ મેર બેભાન થઈ ગયેલ જયારે તેની સાથે ફરજ બજાવતો શ્રમિક પરેશભાઈ મેર ને ગૂંગણામંણ થવા લાગતા તે રાડો પાડીને બહાર દોડી ગયો હતો. આ સમયે કંપનીમાં ઉપર રહેતા અન્ય 15 જેટલા પરપ્રાંતીય મહિલા મજુરો અને ચારેક બાળકોને પણ ગેસ લીકેજ થયાનું જણાવી સમયસર બહાર કાઢયા હતા. જેથી સદનસીબે સહેજમાં મોટી દુર્ઘટના સાથે જાનહાની બનતા અટકી હતી. બાદમાં કંપનીના માલીક, 108, ફાયર ફાઈટર વિભાગને જાણ કરી હતી. જેને લઈ સ્થળ પર દોડી આવેલા ફાયર ફાઈટરની ટીમે કામગીરી હાથ ધરી પરિસ્થિતિને કાબુમાં કરી હતી.
જયારે એમોનીય ગેસની ઝેરી અસરથી બેભાન બની ગયેલા બંન્ને શ્રમિકોને 108 મારફત સિવીલ હોસ્પીટલ ખસેડવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે શ્રમિક રવિભાઈને મૃત જાહેર કરેલ જયારે પરેશને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડતા હાલ તે ભયમુક્ત હોવાનું જાણવા મળેલ છે. આ બનાવના પગલે દોડી આવેલા ફેકટરી સેફટી ઈન્સ્પેકટર યોગેશ મોવાનીએ સ્થળ ફેક્ટરીની મુલાકાત લઈ તપાસનો ઘમધમાટ હાથ ધર્યો છે.
ફીશ કંપનીમાં એમોનીય ગેસ લીક થયાની ઘટના મોડીરાત્રીમાં દોઢેક વાગ્યા બની હતી. જેની જાણ ફેકટરી સેફટી ઇન્સ્પેકટરને 11 કલાક બાદ બપોરે સાડા બાર વાગ્યા આસપાસ કરવામાં આવી હોવાનું ખુદ સ્થળ મુલાકાતે આવેલા અધિકારીએ જ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ છે. ત્યારે આટલા સમય સુધી ઘટના સંબંધિત વિભાગથી શું કામ છુપાવાઈ? તે મોટો સવાલ ઉભો થયો છે. આ બનાવ અંગે શ્રમિક વર્ગમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે.