અમદાવાદ-ધોલેરા હાઈવે પર બસ પલટી જતાં એકનું મોત, 22ને ઈજા

પારિવારિક પ્રસંગ પૂર્ણ કરી ભાવનગર પરત ફરતી વેળાએ સર્જાયો ગમખ્વાર અકસ્માત: ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કાલે…

પારિવારિક પ્રસંગ પૂર્ણ કરી ભાવનગર પરત ફરતી વેળાએ સર્જાયો ગમખ્વાર અકસ્માત: ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કાલે સાંજે કરિયાણા ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પારિવારિક પ્રસંગ પૂર્ણ કરીને અમદાવાદથી ભાવનગર પરત ફરી રહેલી ખાનગી બસ અચાનક પલટી ખાઈ રોડની નીચે ઉતરી જતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં એક 61 વર્ષિય વૃધ્ધાનું મોત નિપજ્યું હતું. જ્યારે 22 મુસાફરોને ઈજા થઈ હતી.

23 મુસાફરો ભરેલી બસ કરિયાણા ગામ નજીક બસ નંબર GJ-01-DY-4506માં આશરે 23 મુસાફરો સવાર હતા. બસ તા. 21 જૂનના રોજ સાંજે અંદાજે 7:30 વાગ્યે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના કોઠ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા કરિયાણા ગામ નજીક પહોંચી હતી, ત્યારે બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ રોડની નીચે ઉતરી ગઈ હતી.

અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક પોલીસ, 108 ઇમરજન્સી સેવા તેમજ અન્ય બચાવ ટીમોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂૂ કરી હતી. 108 સેવાની ચાર એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે ધોળકા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

ધોળકા નજીક સર્જાયેલા આ અકસ્માતમાં મીની બસમાં સવાર કુલ 23 લોકો ભોગ બન્યા હતા. અકસ્માતને પગલે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ધોળકા સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં મીની બસમાં સવાર 61 વર્ષીય રંજનબેન દશાડિયાનું ગંભીર ઇજાઓના કારણે દુ:ખદ અવસાન થયું છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્તો પૈકી 13 વ્યક્તિઓને સામાન્ય તેમજ નાની-મોટી ઇજાઓ થતાં હાલ ધોળકા સરકારી દવાખાનામાં જ દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. આ સિવાય ગંભીર રીતે ઘવાયેલા અન્ય 9 દર્દીઓની હાલત વધુ નાજુક જણાતા તેઓને વધુ સઘન સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.

બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીનું સંકલન કર્યું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પ્રાથમિક અનુમાન મુજબ બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે. અકસ્માતને પગલે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી.