હોર્મુઝમાં ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા ઓઇલ ટેન્કર પર હુમલો, એન્જિન રૂમમાં લાગી આગ

હોર્મુઝ વિસ્તારમાં ભારતીય ક્રૂ સભ્યોને લઈ જઈ રહેલા ઓઇલ ટેન્કર પર હુમલાની ઘટના સામે આવી છે. શુક્રવારે પનામાનો ધ્વજ ધરાવતા ઓઇલ ટેન્કર એમટી લુઇસ-1 પર…

હોર્મુઝ વિસ્તારમાં ભારતીય ક્રૂ સભ્યોને લઈ જઈ રહેલા ઓઇલ ટેન્કર પર હુમલાની ઘટના સામે આવી છે. શુક્રવારે પનામાનો ધ્વજ ધરાવતા ઓઇલ ટેન્કર એમટી લુઇસ-1 પર બે લિમ્પેટ માઇન્સ લગાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ ટેન્કરમાં 27 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા.વિસ્ફોટ એટલો જોરદાર હતો કે જહાજના એન્જિન રૂમમાં આગ લાગી હતી અને ટેન્કરનું સંચાલન થોડા સમય માટે ખોરવાઈ ગયું હતું. જોકે, જહાજ પર હાજર ક્રૂ સભ્યોએ સમયસૂચકતા દાખવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આ ઘટનાને પગલે ભારતીય નાવિકોની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ હતી. જોકે, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે માહિતી આપતાં જણાવ્યું હતું કે ટેન્કરમાં સવાર તમામ 27 ભારતીય નાવિકો સુરક્ષિત છે અને આ હુમલામાં કોઈને ઈજા થઈ નથી.

રોયટર્સના અહેવાલ મુજબ, ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ શરૂ થયા બાદ હોર્મુઝ વિસ્તારમાં પ્રથમવાર લિમ્પેટ માઇન્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. બ્રિટિશ મેરિટાઇમ એજન્સી UKMTOના જણાવ્યા અનુસાર, ઓઇલ ટેન્કર પરનો આ હુમલો ઓમાનના ખાસાબ શહેરથી આશરે 46 કિલોમીટર દૂર થયો હતો.

આ ઉપરાંત, ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન એટલે કે IMOના આંકડા મુજબ, 28 ફેબ્રુઆરીએ સંઘર્ષ શરૂ થયા બાદથી 27 ઓક્ટોબર સુધીમાં હોર્મુઝ અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારમાં કુલ 120 ઘટનાઓ નોંધાઈ છે. જેમાં વેપારી જહાજો પર થયેલા હુમલાઓનો પણ સમાવેશ થાય છે.હોર્મુઝ વિસ્તારમાં સતત બની રહેલી આવી ઘટનાઓને પગલે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર અને જહાજોની સુરક્ષા સામે ચિંતાઓ વધી રહી છે