ઓડિશાની પાયલે મોઢાથી તીર ચલાવી બેંકોકમાં જીત્યો ગોલ્ડ મેડલ

આઠ વર્ષની વયે વીજશોકના કારણે બન્ને હાથ-પગ ગુમાવ્યા હતા ઓડિશાની 18 વર્ષની પેરા એથલિટ પાયલ નાગ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. પાયલ નાગે પોતાના અદમ્ય…

આઠ વર્ષની વયે વીજશોકના કારણે બન્ને હાથ-પગ ગુમાવ્યા હતા

ઓડિશાની 18 વર્ષની પેરા એથલિટ પાયલ નાગ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. પાયલ નાગે પોતાના અદમ્ય સાહસ અને ઈચ્છાશક્તિના જોરે મહેનતથી વૈશ્વિક સ્તર પર ભારતનું નામ રોશન કર્યું છે. હાલમાં જ બેંકોકમાં યોજાયેલી વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ ફાઇનલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને પાયલ રાતોરાત સ્ટાર બની ગઈ છે.
ઓડિશાના બોલાંગીર જિલ્લાના એક મજૂર પરિવારમાં જન્મેલી પાયલ નાગે સાત આઠ વર્ષની નાની વયે 11,000 વોલ્ટનો ઈલેક્ટ્રિક કરન્ટ લાગતા ભયાનક અકસ્માતનો ભોગ બની હતી. આ દુર્ઘટનામાં પાયલના બંને હાથ અને બંને પગ કપાવવાનો વારો આવ્યો હતો. જે ઉંમરમાં સામાન્યપણે બાળકો રમતા હોય, મસ્તી કરતાં હોય એ ઉંમરે પાયલે નવેસરથી જીવન જીવવાનું શીખવું પડ્યું હતું.

ગંભીર અકસ્માત બાદ બોલાંગીરના બાલનિકેતનમાં રહીને પાયલે હાથ-પગ વિના મોઢાનો ઉપયોગ કરી લખવાનું અને પેઈન્ટિંગ કરવાનું શીખવાનું શરૂૂ કર્યું. જોકે, કિસ્મતને કંઈક અલગ જ મંજુર હતું. જાણીતા કોચ કુલદીપ વેદવાને પાયલની પ્રતિભા ઓળખીને તેને સ્પેશિયલ ટ્રેઈનિંગ આપવાનું શરૂૂ કર્યું. જોકે, અન્ય પેરા એથલિટને ટ્રેનિંગ આપવાનું અને પાયલને ટ્રેઈનિંગ આપવાનું થોડું અઘરું હતું. પાયલ માટે મોઢા અને પગના ઉપયોગથી તીરંદાજી કરી શકાય તેવો ખાસ પ્રકારનું ડિવાઈસ તૈયાર કરવામાં આવ્યું.

જમ્મુની માતા વૈષ્ણવો દેવી શ્રાઈન બોર્ડ સ્પોર્ટ્સ એકેડમીમાં પાયલે સંતુલન અને સચોટ નિશાન સાધવા માટે દિવસ-રાત મહેનત કરી હતી અને હાલમાં જ બેંકોકમાં યોજાયેલી કોમ્પિટિશનમાં પાયલે પોતાની આઈડલ અને વર્લ્ડ ચેમ્પિયન શીતલ દેવીને હરાવીને ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. આવું કરતબ કરી દેખાડનારી પાયલ નાગ હવે વિશ્વની પ્રથમ એવી ’ક્વાડ્રપલ એમ્પ્યુટી’ (ચારેય અંગો ન હોય એવી) પેરા તીરંદાજ બની ગઈ છે. પાયલની આ મહેનત, ઈચ્છા શક્તિ અને અદમ્ય સાહસ આપણા બધા માટે જ એક પ્રેરણાસ્રોત સમાન છે.