5000 મેચ સાથે ODI ફોર્મેટ ઐતિહાસિક મુકામ પર

વનડે ક્રિકેટના ઇતિહાસમાં શુક્રવાર, 7 ઓગસ્ટ 2026નો દિવસ યાદગાર બની ગયો. ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ ટુ 2023-27માં સ્કોટલેન્ડ અને કેનેડા વચ્ચે ડ્યુનેડિનમાં રમાયેલી મેચ…

વનડે ક્રિકેટના ઇતિહાસમાં શુક્રવાર, 7 ઓગસ્ટ 2026નો દિવસ યાદગાર બની ગયો. ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ ટુ 2023-27માં સ્કોટલેન્ડ અને કેનેડા વચ્ચે ડ્યુનેડિનમાં રમાયેલી મેચ ODI ક્રિકેટની 5000મી મેચ બની હતી. આ સાથે 55 વર્ષ જૂના વનડે ફોર્મેટે એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

વનડે ક્રિકેટની શરૂૂઆત 5 જાન્યુઆરી 1971ના રોજ થઈ હતી. પ્રથમ ODI મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેલબોર્નમાં રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટથી જીત મેળવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ODI ફોર્મેટે ક્રિકેટની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી છે.

ODI ક્રિકેટની 1000મી મેચ 1995માં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે નોટિંગહામમાં રમાઈ હતી. ત્યારબાદ 2000મી મેચ 2003માં, 3000મી મેચ 2010માં અને 4000મી મેચ 2018માં રમાઈ હતી. હવે 2026માં સ્કોટલેન્ડ અને કેનેડા વચ્ચેની મેચ સાથે ODI ક્રિકેટ 5000 મેચના આંકડા સુધી પહોંચી ગયું છે.

વનડે ક્રિકેટના શરૂૂઆતના વર્ષોમાં વેસ્ટ ઈન્ડિઝનું વર્ચસ્વ રહ્યું હતું. ટીમે સતત બે વર્લ્ડ કપ જીત્યા હતા, પરંતુ સમય જતાં તેનું પ્રદર્શન ઘટતું ગયું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ વનડે ક્રિકેટ પર રાજ કર્યું એન આજે પણ તેઓ ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન છે. બીજી તરફ ભારતીય ટીમે ધીમે ધીમે ODI ફોર્મેટમાં પોતાની તાકાત વધારી અને આજે વિશ્વની સૌથી સફળ ટીમોમાં સામેલ છે.

ભારતીય ટીમ હાલમાં સૌથી વધુ ODI મેચ રમનાર ટીમ છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 1081 વનડે મેચ રમી છે, જેમાં 575 જીત, 452 હાર, 10 ટાઈ અને 44 મેચનું પરિણામ આવ્યું નથી. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા 1025 મેચ સાથે બીજા અને પાકિસ્તાન 1002 મેચ સાથે ત્રીજા સ્થાને છે. T20ક્રિકેટના આગમન છતાં વનડે ફોર્મેટનું મહત્વ ઓછું થયું નથી. વર્લ્ડ કપ જેવા મોટા મંચને કારણે ચાહકો આજે પણ ODI ક્રિકેટની આતુરતાથી રાહ જુએ છે. 5000મી મેચ સાથે આ ફોર્મેટે સાબિત કર્યું છે કે ક્રિકેટ જગતમાં તેની લોકપ્રિયતા હજુ પણ મજબૂત છે.