વિશ્ર્વ માટે ઇધર કૂવા ઉધર ખાઇ જેવી સ્થિતિ
મંત્રણા ભાંગી પડતા ઇરાનને ટોલ ચૂકવે તે દેશના જહાજ ડૂબાડી દેવાની યુ.એસ.ની ધમકી
અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડએ જાહેરાત કરી છે કે તે 13 એપ્રિલ (સોમવાર)ના રોજ ઈરાનના બંદરોની નાકાબંધી શરૂૂ કરશે. આ નાકાબંધી ઈરાનના બંદરો અને તટીય વિસ્તારોમાં આવતા-જતા તમામ દેશોના જહાજો સામે નિષ્પક્ષ રીતે લાગુ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં CENTCOMએ જણાવ્યું કે તેની સેનાઓ રાષ્ટ્રપતિના આદેશ મુજબ ઈરાનના બંદરોમાં આવનારા અને જનાર તમામ સમુદ્રી ટ્રાફિક પર નાકાબંધી લાગુ કરશે. આમાં અરબ ખાડી અને ઓમાનની ખાડીના કિનારાના બંદરો પણ સામેલ છે. આ જાહેરાત બાદ વિશ્ર્વ માટે હોર્મુઝ ખાડીમાંથી જ્હાજ પસાર કરવા એટલે ઇધર કુઆ ઉધર ખાઇ જેવી સ્થિતિ સર્જાઇ છે. ઇરાનને ટોલ ચૂકવનારા જ્હાજને અમેરિકાએ ડુબાડી દેવાની ધમકી આપી છે.
હોર્મુઝ જળમાર્ગમાંથી ગેર-ઈરાની બંદરો તરફ જતા કે આવતા જહાજોની નેવિગેશન સ્વતંત્રતામાં અવરોધ ઉભો કરશે નહીં. વ્યાવસાયિક જહાજચાલકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સત્તાવાર નાવિકો માટેની સૂચનાઓ પર નજર રાખે અને ઓમાનની ખાડી તથા હોર્મુઝ જળમાર્ગ આસપાસ કામ કરતી વખતે ‘બ્રિજ-ટુ-બ્રિજ ચેનલ 16’ પર અમેરિકી નૌકાદળ સાથે સંપર્કમાં રહે.
ગઇકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટમાં જણાવ્યું હતું કે અમેરિકા ટૂંક સમયમાં હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા જહાજોને રોકવાનું શરૂૂ કરશે. તેમણે ઉમેર્યું કે ખાસ કરીને તે જહાજો પર ધ્યાન આપવામાં આવશે, જે તેમના કહેવા મુજબ ગેરકાયદેસર ટોલ ચૂકવી રહ્યા છે. થોડા કલાકો પછી,
અમેરિકી સેનાએ જાહેરાત કરી કે તે સોમવાર સાંજે 7:30 વાગ્યાથી આ નાકાબંધી અમલમાં મૂકાશે.
અમેરિકાના આ પગલાથી એવું લાગી રહ્યું છે કે તેનો હેતુ તે પ્રથાને અટકાવવાનો છે, જેમાં આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગમાંથી પસાર થતા કેટલાક જહાજો ચીની યુઆનનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઘટનાને લાંબા સમયથી ચાલતા પેટ્રોડોલર સિસ્ટમ માટે પડકાર તરીકે અને અમેરિકી પ્રતિબંધોને ટાળવાનો એક રસ્તો માનવામાં આવી રહ્યો છે.
વોશિંગ્ટનએ ફરી એકવાર ચીન અને ઈરાન બંને સામે પોતાનુ કડક વલણ દાખવ્યુ છે. આ પગલું આ બંને દેશો સાથે વધતા તણાવ તરફ પણ ઈશારો કરે છે, જેમણે અમેરિકી આર્થિક દબાણનો સામનો કરવાની પોતાની ક્ષમતા સતત દર્શાવી છે.

