અભિનેતા પ્રકાશ રાજ સામે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ, વોટર આઈડી કાર્ડનો મામલો

બોલીવુડ અને સાઉથ ફિલ્મોના જાણીતા અભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ બેંગલુરુની કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ (NBW) જાહેર કર્યો હોવાની માહિતી સામે આવી છે. આ મામલો તેમની પાસે…

બોલીવુડ અને સાઉથ ફિલ્મોના જાણીતા અભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ બેંગલુરુની કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ (NBW) જાહેર કર્યો હોવાની માહિતી સામે આવી છે. આ મામલો તેમની પાસે વિવિધ રાજ્યોના મતદાર ઓળખપત્રો હોવાના આરોપો સાથે સંકળાયેલો છે. વર્ષ 2019માં વકીલ દિલીપ કુમાર દ્વારા હલાસુરુ ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રકાશ રાજ પાસે કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણા સહિત ચાર અલગ-અલગ રાજ્યોના મતદાર 0ઓળખપત્રો છે. જો આ આરોપો સાચા સાબિત થાય તો તે ચૂંટણી સંબંધિત નિયમોનું ઉલ્લંઘન ગણાશે.

ફરિયાદકર્તાના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારબાદ તેમણે બેંગલુરુ શહેરના પોલીસ કમિશનર તેમજ ચૂંટણી પંચનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાંથી પણ કોઈ પ્રતિસાદ ન મળતાં આખરે તેમણે અદાલતનો દરવાજો ખખડાવ્યો હતો.

ચૂંટણી પંચના નિયમો મુજબ કોઈપણ નાગરિક માત્ર એક જ સ્થળે મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પ્રકાશ રાજે એકથી વધુ મતદાર ઓળખપત્રો રાખીને આ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

અહેવાલો અનુસાર, 48મા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM)ની અદાલતે બે વખત સમન્સ પાઠવીને પ્રકાશ રાજને હાજર રહેવા નિર્દેશ આપ્યા હતા. જોકે, તેઓ બંને તારીખે અદાલતમાં હાજર રહ્યા ન હતા. વારંવાર સમન્સ છતાં ગેરહાજર રહેતાં અદાલતે હવે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યો છે, જેના કારણે તેમની ધરપકડની શક્યતા વધી છે.