ભારતીય રેલવે એ દેશભરના રેલવે પ્રવાસીઓને તત્કાલ ટિકિટ બુકિંગની લાંબી કતારો અને અફરા-તફરીથી રાહત અપાવવા માટે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને મોટું પગલું ભર્યું છે. અવારનવાર એવું જોવા મળે છે કે રેલવે સ્ટેશનોના રિઝર્વેશન કાઉન્ટર્સ પર તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે લોકો વહેલી સવારે કે રાતથી જ લાંબી લાઈનોમાં ઊભા રહી જાય છે, જેના કારણે ઘણી વખત અફરા-તફરીનું વાતાવરણ બની જાય છે અને પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ જ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રેલવેએ 1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટના કાઉન્ટર બુકિંગ માટે એક નવી ‘ટોકન સિસ્ટમ’ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
જ્યારે પણ કોઈ પ્રવાસી તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે રેલવે સ્ટેશનના કાઉન્ટર પર જાય છે, ત્યારે તેણે કલાકો સુધી લાઈનમાં રાહ જોવી પડે છે.
ઘણી વખત એવું પણ બને છે કે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં જ્યારે કાઉન્ટર પર નંબર આવે છે, ત્યારે ત્યાં સુધીમાં બેઠકો (સીટ્સ) ફૂલ થઈ ચૂકી હોય છે, જેનાથી પ્રવાસીઓનો સમય અને મહેનત બંને બગડે છે. આ ઉપરાંત, ઘણી જગ્યાએ એજન્ટો દ્વારા લાંબી લાઈનો લગાવવા અને દલાલી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ફરિયાદો પણ સતત મળતી રહે છે. આ તમામ ગરબડોને અટકાવવા અને સમગ્ર બુકિંગ પ્રક્રિયાને પારદર્શક, સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે રેલવેએ આ નવી વ્યવસ્થાની રૂૂપરેખા તૈયાર કરી છે.
AC અને Non-AC તત્કાલ ટિકિટોના બુકિંગ માટે અલગ-અલગ સમયે ટોકન આપવામાં આવશે. અઈ તત્કાલ બુકિંગ માટે કાઉન્ટર સવારે 10:00 વાગ્યે શરૂૂ થાય છે, તેથી તેના ટોકન કાઉન્ટર ખુલ્લતા પહેલા એટલે કે સવારે 9:45 વાગ્યે આસપાસ મળવાના શરૂૂ થઈ જશે. એ જ રીતે, સ્લીપર કે નોન-એસી તત્કાલ બુકિંગ (જે સવારે 11:00 વાગ્યે શરૂૂ થાય છે) માટે ટોકન સવારે 10:45 વાગ્યે વહેંચવામાં આવશે.કાઉન્ટરમાં ટોકન મેળવવા માટે પ્રવાસીઓએ પોતાનું કોઈ પણ માન્ય ઓળખપત્ર (જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા વોટર આઈડી) બતાવવું અનિવાર્ય રહેશે. ટોકન માત્ર સાચા અને જરૂૂરિયાતમંદ પ્રવાસીઓને જ મળે, ન કે કોઈ ગેરકાયદેસર એજન્ટ અથવા દલાલના હાથમાં જાય.એકવાર જ્યારે પ્રવાસીને ટોકન મળી જશે, ત્યારે તેને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની જરૂૂર રહેશે નહીં.
જ્યારે કાઉન્ટર પર તેનો નંબર પોકારવામાં આવશે, ત્યારે જ તે પોતાની ટિકિટ બુક કરાવી શકશે.રેલવેના દિશા-નિર્દેશો અનુસાર, દરેક કાઉન્ટર પર ટોકનની સંખ્યા મર્યાદિત હશે, જે તે સ્ટેશન પર ઉપલબ્ધ કમ્પ્યુટરાઈઝ્ડ વ્યવસ્થા અને કાઉન્ટરની ક્ષમતા પર નિર્ભર કરશે. એક ટોકન પર એક નિશ્ચિત સંખ્યામાં જ પ્રવાસીઓની ટિકિટો બુક કરી શકાશે. જો કોઈ વ્યક્તિને પરિવાર અથવા મિત્રો માટે એકથી વધુ ટિકિટો બુક કરાવવાની હોય, તો તેણે તે મુજબ પોતાની પાત્રતા અને નિયમોનું પાલન કરવું પડશે. રેલવેનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કાઉન્ટર પર પહેલા આવનાર અને ખરેખર મુસાફરી કરનાર પ્રવાસીઓને પ્રાથમિકતા મળે.
દલાલો અને એજન્ટો પર લગામ
અવારનવાર એવી ફરિયાદ રહેતી હતી કે કેટલાક લોકો વહેલી સવારે જ લાઈનમાં બેસીને જગ્યા રોકી લે છે અને બાદમાં પ્રવાસીઓ પાસેથી ગેરકાયદેસર વસૂલાત કરે છે. ટોકન સિસ્ટમ અને આઈડી પ્રૂફ અનિવાર્ય હોવાથી દલાલોનો આ કાળો ખેલ સંપૂર્ણપણે બંધ થઈ જશે. ઉપરાંત પ્રવાસીઓનો કિંમતી સમય બચશે. હવે તેમને એ અંદાજો રહેશે કે તેમનો નંબર ક્યારે આવવાનો છે, જેથી તેઓ પોતાની સુવિધા મુજબ કાઉન્ટર પર પહોંચી શકશે.
