Site icon Gujarat Mirror

પતંગ ચગાવવામાં મશગુલ નવ વર્ષનો બાળક ત્રીજા માળેથી પટકાતા ગંભીર ઇજા

oplus_2097184

ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બાળકોમાં પતંગ ચગાવવાનો ખુબ ઉત્સાહ હોય છે. પરંતુ પતંગ ચગાવવામાં મશગુલ બાળકો સાથે કોઇ અકસ્માતની ઘટના ન બને તે માટે વાલીઓએ સાવચેતી રાખવી જરૂરી બની છે. આવો જ એક બનાવ શહેરમાં સામો આવ્યો છે.

ગોકુલધામ વિસ્તારમાં અગાસી ઉપર પતંગ ચગાવવામાં મશગુલ 9 વર્ષનો બાળક અકસ્માતે ત્રીજા માળેથી પટકાતા તેને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ મુળ કાનપુર રહેતો આદિત્ય રાજુભાઇ ચૌહાણ (ઉ.વ.9)નામનો બાળક તેના પિતા રાજકોટમાં ગોકુલધામ કવાર્ટરમાં રહેતા હોય ત્યા આટો મારવા આવ્યો હતો. દરમિયાન આજે સવારે 10 વાગ્યાના અરસામાં કવાર્ટરની અગાસી ઉપર પતંગ ઉડાડતો હતો ત્યારે અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જયા તેની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં આદિત્ય અને તેના માતા કાનપુર રહે છે અને આદિત્ય એક ભાઇ એક બહેનમાં મોટો અને ધો.2માં અભ્યાસ કરે છે. તેના પિતા રાજકોટમાં ગોકુલધામ રહી ડેરીમાં નોકરી કરે છે. ઉતરાયણનો તહેવાર આવતો હોવાથી આદિત્ય તેની માતા સાથે રાજકોટ પિતાના ઘરે આટો મારવા માટે આવ્યા હતા અને આજે અગાસી ઉપર પતંગ ચગાવતી વેળાએ આ બનાવ બન્યો હતો.

Exit mobile version