TCS ધર્માંતરણકાંડની મુખ્ય સૂત્રધાર નિદા ખાનની ધરપકડ

  મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા TCS (ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ)ના BPO યુનિટમાં કથિત જાતીય શોષણ અને જબરન ધર્માંતરણના સનસનીખેજ મામલામાં મુખ્ય આરોપી નિદા ખાનની ધરપકડ કરવામાં આવી…

 

મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા TCS (ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ)ના BPO યુનિટમાં કથિત જાતીય શોષણ અને જબરન ધર્માંતરણના સનસનીખેજ મામલામાં મુખ્ય આરોપી નિદા ખાનની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી પોલીસને ચકમો આપી રહેલી નિદા ખાનને આખરે મહારાષ્ટ્રમાંથી જ દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે.

નાસિકની TCS યુનિટમાં કામ કરતી અનેક મહિલા કર્મચારીઓએ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદોમાં જણાવવામાં આવ્યું હતું કે, કંપનીમાં એચઆર (HR) વિભાગ સાથે જોડાયેલી નિદા ખાન અને અન્ય કેટલાક કર્મચારીઓ મહિલાઓનું જાતીય ઉત્પીડન કરતા હતા. એટલું જ નહીં, કર્મચારીઓને જબરદસ્તીથી ઇસ્લામ ધર્મ અપનાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. પીડિત યુવતીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને બળજબરીથી બુરખા પહેરાવવામાં આવતા, ઇસ્લામિક પુસ્તકો અને એપ્સ આપવામાં આવતી તેમજ તેમનું બ્રેઈનવોશિંગ કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન આ કેસમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન પણ સામે આવ્યું છે.

પોલીસને મળેલી વિગતો મુજબ, આ ધર્માંતરણ રેકેટના તાર મલેશિયા સુધી જોડાયેલા હોવાનું જણાયું છે. મામલાની ગંભીરતાને જોતા સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી હતી. SITએ અગાઉ આ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ મુખ્ય માસ્ટરમાઇન્ડ ગણાતી નિદા ખાન ફરાર હતી.
નિદા ખાન પોલીસથી બચવા માટે સતત પોતાના લોકેશન બદલી રહી હતી. પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હોવા છતાં તે 25 દિવસથી પોલીસને હાથતાળી આપી રહી હતી. આખરે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે પોલીસે તેને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડી છે. હાલ પોલીસ નિદા ખાનની સઘન પૂછપરછ કરી રહી છે, જેમાં આ ધર્માંતરણ નેટવર્કમાં સામેલ અન્ય મોટા માથા અને વિદેશી ફંડિંગ અંગેના ખુલાસા થવાની શક્યતા છે. આ કેસની ચર્ચાઓએ સમગ્ર કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.