ધો. 9-11માં કમ્પ્યુટરનો નવો સિલેબસ લાગુ પણ પેપર સ્ટાઇલના હજુ ઠેકાણા નથી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના આયોજનના અભાવ અને ઢીલી નીતિનો ભોગ ફરી એકવાર રાજ્યભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો બની રહ્યા છે. રાજ્યની શાળાઓમાં 8…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના આયોજનના અભાવ અને ઢીલી નીતિનો ભોગ ફરી એકવાર રાજ્યભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો બની રહ્યા છે. રાજ્યની શાળાઓમાં 8 જૂન, 2026થી નવું શૈક્ષણિક સત્ર શરૂૂ થઈ ગયું છે. આ વર્ષથી ધો.9 અને 11માં કમ્પ્યૂટર અધ્યયન વિષયનો નવો અભ્યાસક્રમ લાગુ કરી દેવાયો છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, શૈક્ષણિક સત્રને બે માસ જેટલો સમય વીતી ગયા હોવા છતાં, બોર્ડ દ્વારા હજુ સુધી આ વિષયની પરીક્ષા પદ્ધતિ, પેપર સ્ટાઈલ કે ગુણભારની કોઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની અધિકૃત વેબસાઇટ પર માર્ચ-2026થી જ ધો.9 અને 11ના કમ્પ્યૂટર અધ્યયન વિષયના નવા પાઠ્યપુસ્તકો ઓનલાઈન મૂકી દેવાયા હતા.

બોર્ડના સત્તાધીશો પાસે પરીક્ષાનું માળખું, બ્લુપ્રિન્ટ અને પેપર સ્ટાઈલ તૈયાર કરવા માટે પૂરતો સમય હતો. આમ છતાં, શાળાઓમાં પ્રથમ સત્રનો અભ્યાસ પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે મૂલ્યાંકન પદ્ધતિ અંગે સંપૂર્ણ શૂન્યાવકાશ પ્રવર્તી રહ્યો છે. કોઈ પણ નવા વિષય કે અભ્યાસક્રમની સાથે જ તેની પરીક્ષા પદ્ધતિ જાહેર કરવી અનિવાર્ય હોય છે, જે પાયાનો નિયમ અહીં ભૂલાઈ ગયો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. શૈક્ષણિક સત્રની શરૂૂઆતમાં જ કોઈપણ નવા અભ્યાસક્રમનું પરીરૂૂપ એટલે કે બ્લુપ્રિન્ટ જાહેર કરી દેવામાં આવતું હોય છે, જેથી શાળાઓ પોતાની આંતરિક એકમ કસોટીઓ અને પ્રથમ સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્રો તે મુજબ કાઢી શકે. આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં શાળાઓમાં પ્રથમ પરીક્ષાઓ યોજાવાની છે.

જો તાત્કાલિક ધોરણે પેપરસ્ટાઈલ આપવામાં નહીં આવે તો શાળાઓ પોતાની રીતે પ્રશ્નપત્રો કાઢવા માટે મજબૂર બનશે. પરિણામે રાજ્યભરમાં એકસમાન મૂલ્યાંકન પદ્ધતિનો અભાવ જોવા મળશે. નવો સિલેબસ હોવાથી કયા પ્રકરણમાંથી કેટલા ગુણના પ્રશ્નો પૂછાશે, થીયરી અને પ્રેક્ટિકલનો ગુણભાર કેટલો રહેશે, તે જાણ્યા વગર તૈયારી કરાવવી અશક્ય છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત બોર્ડ દ્વારા અગાઉ વર્ષ 2013-14 બાદ છેક 2026માં ટેકનોલોજીના બદલાતા પ્રવાહોને ધ્યાનમાં રાખીને નવો અભ્યાસક્રમ લાગુ કરાયો છે. આગામી શૈક્ષણિક વર્ષમાં ધો.10 અને 12નો કમ્પ્યૂટર વિષયનો અભ્યાસક્રમ પણ બદલાવા જઈ રહ્યો છે. ત્યારે શિક્ષણ જગતની સ્પષ્ટ માગ છે કે, ગુજરાત બોર્ડ વહેલામાં વહેલી તકે પરીક્ષા પદ્ધતિ જાહેર કરે, જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને યોગ્ય દિશા મળી શકે.