પેપર લીકથી રદ થયેલી નીટ યુજીની પરીક્ષા 21 જૂને, NTAની જાહેરાત

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટ યુજી 2026 ની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. નીટની પરીક્ષાનું પેપર લીક થયા પછી એક્ઝામ રદ કરી દેવામાં…

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટ યુજી 2026 ની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. નીટની પરીક્ષાનું પેપર લીક થયા પછી એક્ઝામ રદ કરી દેવામાં આવી હતી, ત્યાર પછી આજે પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરવામાં આવી છે. રી નીટની તારીખ એનટીએ દ્વારા ટ્વિટ કરીને જાહેર કરવામાં આવી છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને શેર કર્યું છે કે ભારત સરકારની સ્વીકૃતિ સાથે એનટીએ 21 જૂન 2026 અને રવિવારે નીટની પરીક્ષા ફરીથી લેવાશે. સાથે જ ટ્વિટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે એક્ઝામ સંબંધિત જાણકારી માટે એનટીએ ના સત્તાવાર માધ્યમ પર જ વિશ્વાસ કરવો. વિદ્યાર્થીઓએ ફરી રજીસ્ટ્રેશન કરવાની કે ફી ભરવાની જરૂર નથી.

નીટની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવા માટે એક હાઈ લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ઘરે યોજાઈ હતી. આ બેઠકમાં એનટીએના ડાયરેકટર જનરલ અભિષેક સિંહ, સીબીએઈ ચેરપર્સન રાહુલ સિંહ, કેન્દ્રીય વિદ્યાલય તેમજ નવોદય વિદ્યાલય સમિતિના કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. આ બેઠકમાં ચર્ચા કર્યા બાદ 21 જૂનની તારીખ જાહેર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા 3 મે 2026 ના રોજ નીટ યૂજી પરીક્ષા લેવાઈ હતી. જેના માટે 22 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે એક્ઝામ પછી પેપર લીકની વાત સામે આવતાં પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાની નવી તારીખની રાહ જોઈ રહ્યા હતા.