નીટની પરીક્ષા ફરી રદ, 22 લાખથી વધુ છાત્રોની મહેનત પાણીમાં

પેપર લીક થયાની શક્યતાના આધારે NTAનો નિર્ણય, ‘ગેસ પેપર’માંથી 120 બેઠા પ્રશ્ર્નો પૂછાયા સમગ્ર ઘટનામાં CBI તપાસના આદેશ, 45થી વધુ શખ્સોની પૂછપરછ, વાલીઓ-વિદ્યાર્થીઓમાં ફાટી નીકળેલો…

પેપર લીક થયાની શક્યતાના આધારે NTAનો નિર્ણય, ‘ગેસ પેપર’માંથી 120 બેઠા પ્રશ્ર્નો પૂછાયા

સમગ્ર ઘટનામાં CBI તપાસના આદેશ, 45થી વધુ શખ્સોની પૂછપરછ, વાલીઓ-વિદ્યાર્થીઓમાં ફાટી નીકળેલો રોષ

ભારતની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026ને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 3 મેના રોજ લેવાયેલી આ પરીક્ષાને પેપર લીકની આશંકા બાદ સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવી છે. રાજસ્થાનમાં ’ગેસ પેપર’માં પૂછાયેલા પ્રશ્નો નીટની પરીક્ષામાં બેઠા પૂછાયા હોવાથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને શિક્ષણ મંત્રાલયે આ આકરો નિર્ણય લીધો છે. હવે આ કેસની તપાસ CBI ને સોંપવામાં આવી છે.

NTAના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ્સમાં જાણવા મળ્યું હતું કે પરીક્ષાની પ્રક્રિયા સાથે છેડછાડ કરવામાં આવી હતી. પરીક્ષાની પારદર્શિતા અને ગરિમા જાળવી રાખવા માટે આ પરિણામોને માન્ય રાખવા શક્ય નહોતા. એજન્સીનો દાવો છે કે જો આ તબક્કે નિર્ણય ન લેવાયો હોત, તો ભવિષ્યમાં સિસ્ટમ પરથી વિદ્યાર્થીઓનો ભરોસો ઉઠી જાત. સરકારે સમગ્ર મામલે તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન- ઈઇઈંને કેસ સોંપ્યો છે. આ તપાસમાં મુખ્યત્વે એ જાણવાનો પ્રયાસ કરાશે કે પરીક્ષા પહેલા એક ચોક્કસ ’ગેસ પેપર’ કેવી રીતે વાઈરલ થયું અને તેની પાછળ કયું સંગઠિત માફિયા જૂથ કામ કરી રહ્યું છે.

આ નિર્ણય પાછળ સૌથી મોટું કારણ રાજસ્થાનમાં થયેલી તપાસ છે, જેમાં બહાર આવ્યું છે કે વાયરલ થયેલા ’ગેસ પેપર’ માંથી પ્રશ્નપત્રના મુખ્ય પ્રશ્નો બેઠે બેઠા પૂછાયા હતા. તપાસ એજન્સીઓના રિપોર્ટ અનુસાર, રાજસ્થાનમાં જે ગેસ પેપર લીક થયું હતું તેના પર તપાસ શરૂૂ કરવામાં આવી છે. પ્રાથમિક અહેવાલ મુજબ,NEETના કુલ 120 પ્રશ્નો તે ગેસ પેપરમાંથી જ બેઠા પૂછવામાં આવ્યા હતા. રાજસ્થાનમાં આ મામલે અત્યાર સુધીમાં 45 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.

એવું માનવામાં આવે છે કે લીક થયેલું ’ગેસ પેપર’ કોઈ પ્રિન્ટિંગ પ્રેસમાંથી બહાર આવ્યું હોઈ શકે છે.
સામાન્ય રીતે, ‘ગેસ પેપર’ એ કોચિંગ સંસ્થાઓ અથવા ટ્યુટર્સ દ્વારા તૈયાર કરાયેલા પ્રશ્નોનો પ્રેક્ટિસ સેટ હોય છે. જેમાં પાછલા વર્ષોના પ્રશ્નપત્રોના ટ્રેન્ડ અને મહત્ત્વના વિષયોના આધારે ’સૌથી વધુ પૂછાઈ શકે તેવા’ સંભવિત પ્રશ્નોનું સંકલન કરાય છે. શૈક્ષણિક દ્રષ્ટિએ આ એક કાયદેસરની અભ્યાસ પદ્ધતિ ગણાય છે, જે વિદ્યાર્થીઓને તૈયારીમાં મદદરૂૂપ થાય છે.

જો કે,NEET UG 2026 કૌભાંડમાં આ ‘ગેસ પેપર’ જ મુખ્ય વિવાદનું કેન્દ્ર બન્યું છે. પ્રાથમિક તપાસ પ્રમાણે, એક ચોક્કસ ગેસ પેપરના પ્રશ્નો અને અસલી પરીક્ષાના પ્રશ્નો વચ્ચે શંકાસ્પદ સામ્યતા જોવા મળી હતી. આ પેપર વાસ્તવિક પરીક્ષાના પ્રશ્નો સાથે આશ્ચર્યજનક રીતે મેચ થતું હોવાથી તે માત્ર અનુમાન નહીં, પરંતુ પેપર લીક હોવાની આશંકાઓને મજબૂત કરી રહ્યું છે.

પરીક્ષા રદ થવાના ઘટનાક્રમ પર નજર નાખીએ તો 3 મેના દેશભરના 5,432 કેન્દ્રો પર 22.79 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 7 મેના ગેરરીતિ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે NTAને પ્રથમ સત્તાવાર ઇનપુટ્સ મળ્યા. 8 મેના સમગ્ર મામલો સ્વતંત્ર તપાસ માટે કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવ્યો. 11 મેના WhatsApp અને Telegram પર એક “ગેસ પેપર” વાયરલ થયો હોવાના અહેવાલો મળ્યા, જેમાં અસલી પેપરના 120 થી 135 જેટલા પ્રશ્નો બેઠા હોવાનું જણાયું હતું. 12 મેના (સવારે) NTAએ પરીક્ષાની પવિત્રતા જોખમાઈ હોવાનું સ્વીકારી પરીક્ષા રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી અને 12 મેના (બપોરે): કેન્દ્ર સરકાર દ્વારા આ સમગ્ર કૌભાંડની તપાસ CBI ને સોંપવાનો આદેશ અપાયો.

આ મામલે અમદાવાદ મેડિકલ એસોસિએશને અપીલ કરી છે કે થોડા બેદરકાર લોકોના કારણે મહેનતુ અને પ્રામાણિક વિદ્યાર્થીઓએ નિરાશ થવાની જરૂૂર નથી. વિદ્યાર્થીઓ અને વાલીઓને શાંતિ જાળવે અને અફવાઓથી દૂર રહે.

ફરી પરીક્ષા ક્યારે?
NTA એ પુષ્ટિ કરી છે કે ટૂંક સમયમાં જ નવી તારીખ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે મહત્વની રાહત એ છે કે પરીક્ષા માટે કોઈ નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં કે કોઈ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં. વિદ્યાર્થીઓને નવી પરીક્ષા માટે નવા એડમિટ કાર્ડ આપવામાં આવશે.