ત્રણ રાજ્યોને રોકડા-વીજળી આપી નર્મદાનું પાણી મેળવાશે

રાજ્યમાં આગામી રવિ પાકની સિઝનમાં ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી પૂરું પાડવા તેમજ સંભવિત પીવાના પાણીની અછતને ટાળવા માટે ગુજરાત સરકારે પડોશી રાજ્યો સાથે ’વોટર ફોર…

રાજ્યમાં આગામી રવિ પાકની સિઝનમાં ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી પૂરું પાડવા તેમજ સંભવિત પીવાના પાણીની અછતને ટાળવા માટે ગુજરાત સરકારે પડોશી રાજ્યો સાથે ’વોટર ફોર પાવર’ (પાણી સામે વીજળી) અથવા નાણાકીય વળતરની અનોખી સમજૂતીનો પ્રસ્તાવ મૂક્યો છે. આ મહત્વપૂર્ણ જળ વ્યવસ્થાપન કરારને અંતિમ ઓપ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી મંગળવારે દેશની રાજધાની નવી દિલ્હી ખાતે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારી આ બેઠક પરથી ગુજરાતને વધારાનો જળ જથ્થો મળવાનો માર્ગ મોકળો બનશે.

સુરત ખાતે રવિવારે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે આ પ્રસ્તાવ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાતે પાણી આપનારા રાજ્યો સમક્ષ પરસ્પર લાભદાયી વ્યવસ્થા (Mutually beneficial arrangement) મૂકી છે. આ ફોર્મ્યુલા અનુસાર, ગુજરાતને જે વધારાનું પાણી પૂરું પાડવામાં આવશે તે પાણીમાંથી ઉત્પાદિત થતી હાઇડ્રોઇલેક્ટ્રિસિટી (જળ વિદ્યુત) સંબંધિત રાજ્યને પરત અપાશે અથવા તેના બદલામાં રાજ્ય સરકાર તેમને સીધું નાણાકીય વળતર ચૂકવશે.

દેશભરમાં વરસાદની વિષમતા અને કેટલાક વિસ્તારોમાં સર્જાયેલી જળ સંકટની પરિસ્થિતિ અંગે બોલતા સી.આર. પાટીલે સ્પષ્ટતા કરી હતી કે, વૈશ્વિક હવામાન પ્રક્રિયા ’અલ નીનો’ (El Ni0o) ને પગલે વરસાદની પેટર્નમાં વધઘટ નોંધાઈ છે. તેમ છતાં, પડોશી રાજ્યોની તુલનામાં સુદ્રઢ નર્મદા કેનાલ નેટવર્ક અને વ્યાપક જળસંચય પ્રણાલીના કારણે ગુજરાત જળ સુરક્ષાના મોરચે ઘણી વધુ સારી અને સુરક્ષિત સ્થિતિમાં છે. તેમ છતાં, ભવિષ્યમાં રાજ્યના કોઈ પણ ખૂણે સિંચાઈ કે પીવાના પાણીની તંગી ન સર્જાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના જળસંપત્તિ મંત્રી જીતુ વાઘાણી સતત કેન્દ્ર સરકાર અને સરહદી રાજ્યો સમક્ષ વધારાના જળ ક્વોટા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યા છે, જેનો આખરી નિર્ણય મંગળવારની બેઠકમાં લેવાશે.