TP એરિયા અને ઔદ્યોગિક હેતુ માટે N.A. મંજૂરી નાબૂદ કરાશે

ગુજરાતમાં ઔદ્યોગિક, વાણિજ્યિક અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના અમલીકરણમાં ઝડપ લાવવા તેમજ સરકારી પ્રક્રિયાઓની લાલફીતાશાહી ઘટાડવા માટે રાજ્ય સરકાર એક ઐતિહાસિક સુધારો કરવા જઈ રહી છે.…

ગુજરાતમાં ઔદ્યોગિક, વાણિજ્યિક અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના અમલીકરણમાં ઝડપ લાવવા તેમજ સરકારી પ્રક્રિયાઓની લાલફીતાશાહી ઘટાડવા માટે રાજ્ય સરકાર એક ઐતિહાસિક સુધારો કરવા જઈ રહી છે. ટાઉન પ્લાનિંગ (TP) વિસ્તારો અને નોટિફાઇડ ઔદ્યોગિક ઝોન હેઠળ આવતા પ્લોટ્સ માટે બિનખેતી(Non-Agricultural – NA) ની ફરજિયાત મંજૂરી નાબૂદ કરવાની યોજના પર સરકાર ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે. જાન્યુઆરી 2027માં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ((VGGS 2027) પૂર્વે આ નવી નીતિ લાગુ કરવાના લક્ષ્યાંક સાથે આગામી દિવસોમાં તેની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે.

સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, હાલની બિનખેતી મંજૂરી પ્રક્રિયા અત્યંત લાંબી, જટિલ અને કડાકૂટભરી છે, જેના કારણે ઔદ્યોગિક પ્લાન્ટ્સ અને મોટા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ શરૂૂ કરવામાં મહિનાઓનો વિલંબ થાય છે. આ ઉપરાંત, એન.એ. મંજૂરી મેળવવાની પ્રક્રિયા સામે વ્યાપક સ્તરે ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓના આક્ષેપો પણ થતા રહ્યા છે, જેને નાથવા આ પગલું મહત્વનું સાબિત થશે.

આ નીતિને અંતિમ સ્વરૂૂપ આપતાં પહેલાં કાનૂની અને મહેસૂલી જટિલતાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગણોતધારા(Tenancy Act)ં અથવા અન્ય મહેસૂલી કાયદાઓ હેઠળ વિવાદમાં ફસાયેલી જમીનોને આ મુક્તિનો લાભ નહીં મળે. આ ઉપરાંત, નજીવા કારણોસર સરકાર હસ્તક (સરકાર દાખલ) થયેલી જમીનો પણ આ દાયરાની બહાર રહે તેવી શક્યતા છે. કાયદાકીય વિવાદો ન સર્જાય તે માટે ગણોત કાયદા હેઠળ આવરી લેવાયેલી જમીનો અંગે સરકાર આગામી જાહેરનામામાં અલગથી સ્પષ્ટતા કરશે.

ટીપી વિસ્તારોમાં અલગથી એન.એ. કરાવવાની પ્રક્રિયા રદ થવાથી બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને રોકાણકારો પરનો વહીવટી બોજ નોંધપાત્ર રીતે ઘટશે. ખાસ કરીને હોસ્પિટલો, મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, મિક્સ્ડ-યૂઝ ડેવલપમેન્ટ્સ અને રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ ઝડપથી ધબકતા થશે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવનારા ઔપચારિક જાહેરનામામાં (નોટિફિકેશન) આ મુક્તિ માટેની શરતો અને પ્રોજેક્ટ શરૂૂ કરવા માટે અન્ય કઈ વૈધાનિક મંજૂરીઓ લેવી અનિવાર્ય રહેશે તેની સ્પષ્ટ માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવશે. વાઈબ્રન્ટ સમિટ પહેલાં જો આ સુધારો અમલી બનશે, તો રાજ્યમાં જમીન વપરાશ અને ઔદ્યોગિક મંજૂરીઓની પ્રક્રિયામાં ક્રાંતિકારી પરિવર્તન આવશે.