પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ બે બેઠકો માટેની પેટાચૂંટણી પહેલાં લઘુમતી મતદારો માટે એક ’કસોટી’ નક્કી કરી છે. તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમ મતદારોએ નક્કી કરવું પડશે કે તેઓ સરકારની સાથે રહેવા માંગે છે કે નહીં. ઉલ્લેખનીય છે કે નંદીગ્રામ અને રેજીનગર બેઠકો માટે પેટાચૂંટણી 6 ઓક્ટોબરે યોજાવાની છે. તેમાંથી, મુર્શિદાબાદ જિલ્લાની રેજીનગર બેઠક મુસ્લિમ બહુલ વિસ્તાર છે.
મુખ્યમંત્રી અધિકારીએ હલ્દિયાની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું, “જો તમે સરકાર અને મુખ્યમંત્રીની સાથે રહેવા માંગતા હોવ અને સાથે મળીને કામ કરવા માંગતા હોવ, તો 6 ઓક્ટોબર તમારી કસોટી છે. નિર્ણય હું તમારા પર છોડું છું – કે તમે પાસ થવા માંગો છો કે નાપાસ.” તેમના નિવેદનથી રાજકીય વિવાદ સર્જાયો છે અને વિપક્ષનો આરોપ છે કે મુખ્યમંત્રી મતદારોને ધમકાવી રહ્યા છે. અહેવાલ મુજબ, અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ નંદીગ્રામ અને રેજીનગરના લઘુમતીઓને અપીલ કરવા માંગે છે.
તેમણે ટિપ્પણી કરી, “મેં જોયું છે કે અહીંના ઘણા લઘુમતી સભ્યો મને કે ભાજપને મત આપતા નથી.” તેમણે ઉમેર્યું, “તમારી સમક્ષ એક તક આવી છે. શું તમે સરકારની સાથે રહેવા માંગો છો કે નહીં? તે તમારે નક્કી કરવાનું છે.” તેમણે આગળ કહ્યું, “જો તમે સરકાર અને મુખ્યમંત્રીની સાથે રહેવા, સહકાર આપવા, સાથે મળીને કામ કરવા અને લાભો મેળવવા માંગતા હોવ, તો તમારી કસોટી 6 ઓક્ટોબરે નંદીગ્રામ અને રેજીનગરમાં છે.” તેમણે કહ્યું, “આ કસોટીમાં પાસ થવું કે નાપાસ થવું તે હું તમારા પર છોડું છું.” અહેવાલો અનુસાર, તેમણે બાદમાં આ નિવેદન પર વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે, “મુસ્લિમોએ સાબિત કરવું પડશે કે તેઓ ભાજપના મિત્રો છે.”
ઉલ્લેખનીય છે કે સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામની બેઠક ખાલી કરી છે, જેના કારણે ત્યાં પેટાચૂંટણી યોજવી જરૂૂરી બની છે. આ ઉપરાંત, આમ જનતા ઉન્નયન પાર્ટીના હુમાયુન કબીર દ્વારા ખાલી કરવામાં આવેલી રેજીનગર બેઠક પર પણ ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપે નંદીગ્રામથી હસીરાની રાઠને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે રેજીનગર માટે એસ. સરકારને ટિકિટ આપવામાં આવી છે.
