Site icon Gujarat Mirror

મોટાદડવામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમિકા સહિત ત્રણ ઝડપાયા

પ્રેમી હેરાન કરતો હોવાથી પ્રેમિકાએ પૂર્વ પતિને સોપારી આપી ભાણેજ સાથે મળી કાસળ કાઢી નાખ્યું હતું

ગુજરાત મિરર, જસદણ તા.18
જસદણ તાલુકાના આટકોટ પોલીસ મથક હેઠળના મોટાદડવા ગામની સીમમાં ગત તા. 11ના રોજ બનેલી હત્યાની ઘટનાનો ભેદ આટકોટ પોલીસે ઉકેલી નાખ્યો છે. વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના મહેશ વસુનિયા નામના યુવકની તેની જ પ્રેમિકા રેશ્માએ પૂર્વ પતિ અને તેના ભાણેજ સાથે મળીને ત્રીકમ અને પથ્થરના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, 8 દિવસ પહેલા મહેશની મૂળ પત્ની મમતા વાડીએ રહેવા આવી હતી. જેને લઈ પ્રેમિકા રેશ્મા, પત્ની વચ્ચે વિવાદ થયો હતો. પત્નીના ગયા બાદ મહેશ રેશ્મા સાથે ઝઘડો કરી તેને ઢોર માર મારતો હતો, જેનાથી કંટાળી રેશ્માએ તેના પૂર્વ પતિ જઉંડા મઇડાનો સંપર્ક કર્યો, શરત મૂકી કે, જો તું મહેશને યમલોક પહોંચાડી દે, તો જ હું તારી સાથે રહેવા આવીશ.
પત્નીની શરત માન્ય રાખી પૂર્વ પતિ જઉંડા મઇડા અને તેનો ભાણેજ દિલીપ મીણા એમ.પી. થી મોટાદડવા આવ્યા હતા. રાત્રિના સમયે જ્યારે મહેશ સૂતો હતો, ત્યારે રેશ્મા, જઉંડા અને દિલીપે એકસંપ થઈ ત્રીકમ, ઈંટ અને પથ્થર વડે તેના માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. મહેશ મરી ગયો છે તેમ સમજી ત્રણેય આરોપીઓ ઓરડીને બહારથી સાંકળ મારી મધ્યપ્રદેશ ફરાર થઈ ગયા હતા.

બનાવ બાદ પ્રેમિકા રેશ્મા ગુમ હોવાથી, તેનો ફોન સ્વીચ ઓફ આવતા આટકોટ PSI બારૈયા, તેમની ટીમે શંકાના આધારે તપાસ તેજ કરી હતી. બાતમીદારોની મદદથી પોલીસે મધ્યપ્રદેશના રતલામના ધામનોદમાં દરોડો પાડી ત્રણેય આરોપીઓ જઉંડા મઇડા, રેશ્માનો પૂર્વ પતિ, દિલીપ મીણા, પૂર્વ પતિનો ભાણેજ, રેશ્મા જઉંડા મઇડા, મૃતકની પ્રેમિકાની ધરપકડ કરી કાર્યવાહી આરંભી હતી.

મૃતક મહેશ વસુનિયા (ઉ.વ.33) પાંચ સંતાનોનો પિતા હોવા છતાં છેલ્લા બે વર્ષથી પત્નીને છોડી પ્રેમિકા રેશ્મા સાથે રહેતો હતો. છેલ્લા 6 મહિનાથી તેઓ મોટાદડવા ગામના ગીરીશભાઈ પારગીની વાડીમાં ભાગે ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. ગત 11મી તારીખે મહેશ લોહીલુહાણ હાલતમાં તેની ઓરડીમાં ખાટલા પર મળી આવ્યો હતો. સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.

Exit mobile version