ગુજરાત
દરબારગઢથી માંડવી ટાવર સુધી ફટાકડાના ગેરકાયદે સ્ટોલો વિરુદ્ધ મનપાની કાર્યવાહી
એસ્ટેટ વિભાગે રોડ પરથી દબાણો હટાવ્યા
શહેરમાં દિવાળીના તહેવારોની ઉજવણીને લઈને ફટાકડાનું વેચાણ વધી રહ્યું છે. પરંતુ, કેટલાક બેદરકાર વેપારીઓ દ્વારા લાઇસન્સ મેળવ્યા વિના ગેરકાયદે રીતે ફટાકડાના સ્ટોલો ચલાવવાની અને જાહેર માર્ગો પર દબાણ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, શહેરના દરબારગઢ વિસ્તારથી માંડવી ટાવર સુધી ફાયર બ્રિગેડ, એસ્ટેટ શાખા અને પોલીસ દળ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન ફાયર, એસ્ટેટ શાખા અને પોલીસના જવાનોએ સંયુક્ત રીતે વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને ગેરકાયદે ફટાકડાના સ્ટોલો શોધી કાઢ્યા હતા. આવા સ્ટોલોને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હતા અને સ્ટોકમાં રહેલા ફટાકડાના બોક્સ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જાહેર માર્ગો પર થયેલા દબાણોને પણ હટાવવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન અનેક સ્ટોલોને દૂર કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ફટાકડાના બોક્સ જપ્ત કરવામાં આવ્યા હતા. તંત્રના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી દરમિયાન કોઈ એપ્રિય ઘટના બની નથી.
શહેરના નાગરિકોને આ વિશે જાગૃત કરવા માટે તંત્ર દ્વારા વિવિધ માધ્યમો દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, તેઓ માત્ર નિયત સ્થળોએથી જ ફટાકડા ખરીદે અને ગેરકાયદે સ્ટોલોને પ્રોત્સાહન ન આપે.
તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. જેથી કરીને શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે.