ગુજરાત
મુંબઈથી કંડલા આવતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળતાં ખળભળાટ, કંડલા એરપોર્ટ પોલીસનું સઘન ચેકિંગ
છેલ્લા કેટલાક દિવસોથી દેશભરની ડોમેસ્ટિક તથા ઈન્ટરનેશનલ ફલાઈટ્સને બોમ્બની ધમકીઓ મળી રહી છે. ત્યારે આજે વધુ એક ફ્લાઈટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્પાઇસ જેટ એરલાઇન્સના એક્સ એકાઉન્ટમાં મુંબઈ – કંડલા ફ્લાઈટને બોંબની ધમકી મળતા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કંડલા એરપોર્ટ ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ દરમિયાન મુંબઇ કંડલા ફ્લાઈટમાં બોમ્બની ધમકી અંગે કંડલા એરપોર્ટ ઓથોરિટીના અધિકારીનો સંપર્ક સાધતા તેમણે ઘટનાને સમર્થન આપ્યું હતું. સ્પાઇસ જેટની એક્સ સોસીયલ સાઇટના એકાઉન્ટ ઉપર આ ધમકી મળી છે અને હાલ ધમકીના પગલે એરપોર્ટ પર સુરક્ષા તંત્રના વિભાગો દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હોવાથી પુરી માહિતી બાદમાં આપવાનું કહ્યું હતું.
મુંબઇ કંડલા સહિત વધુ 85 ફલાઈટ્સને આવી ધમકીઓ મળી છે. આ સાથે છેલ્લા દસ દિવસમાં આ પ્રકારે 250થી વધુ ફલાઈટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતાં દેશભરમાં વિમાની સેવાઓ પર માઠી અસર પડી રહી છે.