Site icon Gujarat Mirror

માતાજીના સોગંદ… આ ચૂંટણીમાં દેશી કે વિદેશી દારૂ પાઇ મત નહીં માગીએ!

ગુજરાત મિરર, ગાંધીનગર,તા.17
ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણીનો માહોલ જામતો હોય છે, ત્યારે મતદારોને રિઝવવા માટે વિવિધ પ્રલોભનો આપવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણી ટાણે દારૂૂની રેલમછેલ થતી હોવાની ફરિયાદો અવારનવાર ઊઠતી હોય છે. જોકે, ગાંધીનગર જિલ્લામાં રાજકારણના શુદ્ધિકરણ તરફ નિર્દેશ કરતી એક અત્યંત પ્રેરણાદાયી ઘટના સામે આવી છે.
સામાન્ય રીતે ચૂંટણીમાં એકબીજાના કટ્ટર વિરોધી ગણાતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આ વખતે એકસાથે જોવા મળ્યા હતા. આ બંને પક્ષના ઉમેદવારોએ સાથે મળીને નિર્ણય લીધો છે કે તેઓ પોતાની ચૂંટણી પ્રચાર દરમિયાન કે મતદાન મેળવવા માટે કોઈપણ પ્રકારના અનૈતિક માર્ગો અપનાવશે નહીં. જે અંગે વિડિયો વાયરલ થયો છે. તેમાં ઉવારસદ બેઠકના ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ સંયુક્ત રીતે એવો નિર્ણય લીધો છે કે આગામી ચૂંટણીમાં તેઓ મતદારોને દેશી કે ઇંગ્લિશ દારૂૂ આપશે નહીં.
ભાજપ અને કોંગ્રેસના આ ઉમેદવારોએ માતાજીના સોગંદ ખાઈને આ પ્રતિજ્ઞા લીધી છે કે તેઓ દારૂૂની વહેંચણી કરી નૈતિકતાનું ઉલ્લંઘન કરશે નહીં. આ અંગેની ભાજપ અને કોંગ્રેસના દાવેદારોનો સંયુક્ત વીડિયો પણ બનાવવામાં આવ્યો છે જે હાલ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગર તાલુકાની ઉવારસદ બેઠક પરથી લેવાયેલો આ નિર્ણય અન્ય બેઠકો અને ઉમેદવારો માટે પણ એક દીવાદાંડી સમાન સાબિત થઈ શકે તેમ છે.
સ્થાનિક રહીશોમાં પણ ઉમેદવારોની આ પહેલની ભારે પ્રશંસા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને શેર કરીને કહી રહ્યા છે.

Exit mobile version