આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની માસિક બેઠકો વર્ચ્યુઅલી જ યોજાશે

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેની સીધી અસર ભારત સહિત અનેક દેશોની અર્થવ્યવસ્થા, સપ્લાય…

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેની સીધી અસર ભારત સહિત અનેક દેશોની અર્થવ્યવસ્થા, સપ્લાય ચેઈન અને ઇંધણ ખર્ચ પર પડી રહી છે. આવી પરિસ્થિતિમાં દેશના ઇંધણ ખર્ચમાં ઘટાડો થાય તથા બિનજરૂૂરી મુસાફરી અટકે તે હેતુસર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “વર્ક ફ્રોમ હોમ” અને ડિજિટલ કાર્યપદ્ધતિ અપનાવવાની અપીલ ધી ગુજરાત રાજ્ય આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીના આ સૂચનને સકારાત્મક પ્રતિસાદ આપતા ધી ગુજરાત રાજ્ય આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે એસોસિએશનની હવે પછીની યોજાનારી તમામ માસિક મીટિંગો વર્ચ્યુઅલ માધ્યમથી યોજવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે એસોસિએશનના પ્રમુખ કિરીટ વી. ચૌધરી તથા મહામંત્રી તુષાર એલ. બારોટએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આ નિર્ણય સમયની માંગ અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. વર્ચ્યુઅલ મીટિંગ વ્યવસ્થાથી ઇંધણ બચત થશે, મુસાફરીનો સમય ઘટશે તેમજ સભ્યો વધુ સરળતાથી બેઠકમાં જોડાઈ શકશે. સાથે સાથે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન મળશે અને “ડિજિટલ ભારત” અભિયાનને પણ મજબૂતી મળશે.

એસોસિએશનના મતે, આજના સમયમાં ટેક્નોલોજી આધારિત કાર્યપદ્ધતિ માત્ર સુવિધાજનક જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ લાભદાયી સાબિત થઈ રહી છે. બિનજરૂૂરી મુસાફરીમાં ઘટાડો થવાથી પ્રદૂષણમાં ઘટાડો થશે અને ઊર્જા બચતને પણ પ્રોત્સાહન મળશે. રાજ્યભરના કાનૂની ક્ષેત્ર સાથે જોડાયેલા સભ્યો દ્વારા એસોસિએશનના આ નિર્ણયને આવકાર આપવામાં આવી રહ્યો છે અને તેને જવાબદાર તથા પ્રગતિશીલ પહેલ તરીકે જોવામાં આવી રહી છે.