ખંભાળિયામાં પોલીસ સ્ટેશનમાં ટોળાની ધમાલ, આપઘાતની ધમકી આપી ફરજમાં રૂકાવટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં અગાઉ નોંધાયેલા એક ગુનાના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશન સામે રસ્તા પર બેસી ચક્કાજામ કરવા તથા પોલીસની સરકારી…

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં અગાઉ નોંધાયેલા એક ગુનાના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશન સામે રસ્તા પર બેસી ચક્કાજામ કરવા તથા પોલીસની સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવા અંગે 16 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવમાં પોલીસ અધિકારીઓને આત્મહત્યા કરી ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. મિતેષભાઈ હમીરભાઈ જાદવે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. 10 ઓક્ટોબરના રાત્રિના આઠ વાગ્યાથી તેઓ પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા. દરમિયાન મંજુબેન કારાભાઈ પિંગળ અને મૂળજીભાઈ જીણાભાઈ પરમાર સહિત આશરે 20 જેટલા લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા.

આ લોકોએ અગાઉ નોંધાયેલા એક ગુનાના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી કરી હતી. આ અંગે પોલીસે સંબંધિત ગુનામાં એટ્રોસિટી એક્ટની કલમો લાગુ પડતી હોવાનું અને તેની તપાસ એસ.સી./એસ.ટી. સેલ દ્વારા કરવામાં આવી રહી હોવાનું સમજાવ્યું હતું. ફરિયાદ મુજબ, ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ માટે તપાસ ચાલુ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. દરમિયાન ટોળામાં સામેલ લોકોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ નહીં કરવામાં આવે તો આત્મહત્યા કરી પોલીસને ફસાવી દેવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આરોપીઓની ધરપકડ થાય ત્યાં સુધી રસ્તા પર બેસી રહેવાની જીદ કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર, તા. 11 ઓક્ટોબરના વહેલી સવારે આશરે બે વાગ્યાની આસપાસ મંજુબેન કારાભાઈ પિંગળ, મૂળજીભાઈ જીણાભાઈ પરમાર સહિતના લોકો પોલીસ સ્ટેશન સામેના માર્ગ પર એકઠા થયા હતા. તેમણે ગેરકાયદેસર મંડળી બનાવી રસ્તા પર બેસી જઈ વાહનોની અવરજવર અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઉપરોક્ત ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. રાઠોડ સહિતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સમજાવટ કરવા છતાં ટોળાએ આરોપીઓની ધરપકડની માંગ ચાલુ રાખી હતી. આ દરમિયાન પોલીસ અધિકારીઓને ધમકી આપી સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.