ધોરાજીમાં હિન્દુ યુવતીને ભગાડી જનાર લઘુમતિ યુવાનના ઘર ઉપર ટોળાનો હુમલો

યુવતી પરત આવી ગયા બાદ સમાધાન થયા પછી યુવકના ઘરમાં ઘૂસી ટોળાનો હુમલો અને તોડફોડ, ઘોડિયામાં સુતેલી દોઢ માસની બાળકી ઘાયલ ધોરાજી તાલુકાના ભુતવડ ગામે…

યુવતી પરત આવી ગયા બાદ સમાધાન થયા પછી યુવકના ઘરમાં ઘૂસી ટોળાનો હુમલો અને તોડફોડ, ઘોડિયામાં સુતેલી દોઢ માસની બાળકી ઘાયલ

ધોરાજી તાલુકાના ભુતવડ ગામે હિંદુ યુવતીને ભગાડી જેનર લઘુમતી જ્ઞાતિના યુવકના ઘર ઉપર યુવતીના પરિવાર સહિતના ટોળાએ હુમલો કરી તોડફોડ કરતા આ મામલે ભારે તંગદીલી ઉભી થઇ હતી. સશસ્ત્ર હુમલા દરમિયાન હુમલાખોરોએ ઘરની કાચની બારીઓમાં તોડફોડ મચાવતા, ત્યાં જ ઘોડિયામાં સૂતેલી માત્ર દોઢ માસની માસૂમ બાળકી કાચના તીક્ષ્ણ ટુકડા વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ વ્યાપી ગયો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ભુતવડ ગામના નવાપરા વિસ્તારમાં રહેતા અને ’સમીર પાન’ નામની દુકાન ચલાવતા વેપારી પુનાભાઈ હુશેનભાઈ મંધરાની પોલીસ ફરિયાદને આધારે કિશોરભાઈ બારૈયા, પ્રવિણભાઈ બારૈયા, પરેશભાઈ બારૈયા, અનિલભાઈ ઉર્ફે જગદીશભાઈ બારૈયા, લાલજીભાઈ બારૈયા, અંકિત, દર્શન, શ્યામ અને આશાબેન બારૈયા સહિત કુલ 9 આરોપીના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પુનાભાઈના 22 વર્ષીય દીકરા સમીરને ગામના લાલજીભાઈ બારૈયાની પુત્રી કિંજલ સાથે પ્રેમસંબંધ હતો. આ બંને આશરે પંદર દિવસ પહેલા લગ્ન કરવાની ઈચ્છા સાથે ચાલ્યા ગયા હતા. ત્યારબાદ પોલીસે યુવતીને શોધીને તેના પિતાને સોંપી દીધી હતી અને બંને પક્ષો વચ્ચે શાંતિપૂર્ણ સમાધાન પણ થઈ ગયું હતું. ગામમાં કોઈ માથાકૂટ કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે વેપારીએ પોતાના દીકરા સમીરને કેશોદ તાલુકાના અગતરાય ગામે મોકલી આપ્યો હતો, જે ગઈકાલ રાત્રે જ પરત ફર્યો હતો.

જો કે, સમાધાન થઈ ગયું હોવા છતાં આ બાબતનો મનમાં ખાર રાખીને ગઈકાલે સવારે સવા અગિયાર વાગ્યાની આસપાસ આરોપીઓ કિશોરભાઈ મનસુખભાઈ બારૈયા અને પ્રવિણભાઈ ધીરૂૂભાઈ બારૈયા વેપારી પુનાભાઈની દુકાને ધસી આવ્યા હતા. તેમણે ’તારો દીકરો ગામમાં કેમ આવ્યો છે?’ તેમ કહીને ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો શરૂૂ કર્યો હતો. જોતજોતામાં તેમની સાથે અન્ય સાગરીતો તલવાર, લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને લાકડીઓ જેવા પ્રાણઘાતક હથિયારો સાથે એકસંપ થઈને ધસી આવ્યા હતા.

હુમલાખોરોએ વેપારી સાથે ઝપાઝપી કરી, બિભત્સ ગાળો આપી ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારે ડરના માર્યા સમીરને ઓરડામાં પૂરી દીધો હતો, જેથી ઉશ્કેરાયેલા ટોળાએ તલવાર અને પાઇપ વડે ઘરની કાચની બારીઓ પર આડેધડ ઘા ઝીંકી ભારે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. કમનસીબે, એ જ બારીની નજીક ઘોડિયામાં સૂતેલી વેપારીની દોઢ માસની દોહિત્રી આયત પર કાચના ટુકડા પડતા તેને માથાના તેમજ શરીરના ભાગે લોહીલુહાણ ઈજાઓ થઈ હતી. હુમલાખોરો વેપારીના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત માસૂમ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ હિંસક ઘટના અંગે ભુતવડના વેપારી પુનાભાઈ મંધરાએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે કિશોરભાઈ બારૈયા, પ્રવિણભાઈ બારૈયા, પરેશભાઈ બારૈયા, અનિલભાઈ ઉર્ફે જગદીશભાઈ બારૈયા, લાલજીભાઈ બારૈયા, અંકિત, દર્શન, શ્યામ અને આશાબેન બારૈયા સહિત કુલ 9 આરોપીઓ વિરૂૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.