ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં એક હિંદીભાષી પરપ્રાંતીય શખ્સે અચાનક આતંક મચાવી રાહદારીઓને આડેધડ ધોકાવાળી કરતા મહિલા સહિત ત્રણ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લોકોએ હિંમત કરીને આતંક મચાવનાર શખ્સને પોલીસ હવાલે કર્યો હતો પરંતુ આ શખ્સની ભાષા નહીં સમજાતી હોવાથી પોલીસ પણ ધંધે લાગી છે. આ શખ્સનું નામ મીથુન હોવાનુ જાણવા મળ્યુ છે. આ સિવાય તે કયાનો છે અને ગોંડલમાં શું કરી રહ્યો છે. તે અંગે કોઇ વિગતો મળી શકી નથી. તેની પાસેથી કોઇ આધાર-પૂરાવા પણ મળ્યા નથી.
મળતી માહિતી મુજબ ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં એક હિન્દીભાષી શખ્સે ધોકા વડે આતંક મચાવ્યો હતો. શિશુ મંદિર નજીક સ્ટેશન પ્લોટમાં કેટલાક ગૌસેવકો ગાયોની સેવા કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક આ શખ્સ ધોકા સાથે ત્યાં ધસી આવ્યો હતો. અને તેણે કોઈ કારણ વગર એક ગૌસેવક પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ગૌસેવકને ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આરોપીએ આટલેથી જ અટક્યો નહોતો. તેણે અન્ય બે રાહદારીઓને પણ નિશાન બનાવી માર માર્યો હતો. વધુમાં, તેણે એક અજાણી મહિલાનો પણ ધોકો લઈને પીછો કર્યો હતો. આ કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.
સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓએ હિંમતભેર આ શખ્સને રેલ્વે સ્ટેશન નજીકથી પકડી પાડ્યો હતો. ત્યારબાદ ગોંડલ શહેર બી-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપીને કબજે લીધો હતો. હાલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

