એશિયન ગેમ્સમાં મીરાબાઇ ચાનુને વેઇટલિફ્ટિંગમાં સિલ્વર

જાપાનમાં ચાલતી એશિયન ગેમ્સમાં આજે ભારતે એક સિલ્વર અને ત્રણ કાસ્ય ચંદ્રક સાથે ચાર મેડલ જીતતા ભારતની મેડલ સંખ્યા અગીયાર પર પહોંચી છે. મેડલ ટેબલમાં…

જાપાનમાં ચાલતી એશિયન ગેમ્સમાં આજે ભારતે એક સિલ્વર અને ત્રણ કાસ્ય ચંદ્રક સાથે ચાર મેડલ જીતતા ભારતની મેડલ સંખ્યા અગીયાર પર પહોંચી છે. મેડલ ટેબલમાં ભારતનું સ્થાન બારમાં ક્રમે પહોંચ્યું છે.
મિરાબાઈ ચાનુએ આખરે એશિયન ગેમ્સમાં મેડલ જીતવાનું સપનું પૂરું કર્યું છે. 49 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં મિરાબાઈએ ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનુએ સ્નેચ ઇવેન્ટમાં 87 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેમણે 111 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. આમ, કુલ 198 કિલોગ્રામ વજન સાથે તેઓ બીજા સ્થાને રહ્યાં હતાં.

1998 બાદ આ ઇવેન્ટમાં ભારતનો આ પ્રથમ મેડલ છે. ઓલિમ્પિક મેડલ વિજેતા કર્ણમ મલ્લેશ્વરીએ 28 વર્ષ પહેલાં બેંગકોકમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મિરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક પણ નોંધાવી ચૂક્યાં છે. તેમની પાસે લગભગ દરેક મોટા ઇવેન્ટનો મેડલ હતો, પરંતુ એશિયન ગેમ્સનો મેડલ બાકી હતો.

ચાનુએ પહેલીવાર 2014ની એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો, જ્યાં તેઓ નવમા સ્થાને રહ્યાં હતાં. ત્યારબાદ 2018ની જકાર્તા એશિયન ગેમ્સમાં ઈજાના કારણે તેઓ ભાગ લઈ શક્યાં નહોતાં. જ્યારે 2022ની એશિયન ગેમ્સમાં તેઓ મેડલ જીતવાથી માત્ર એક સ્થાન દૂર રહ્યાં હતાં અને ચોથા સ્થાને રહ્યાં હતાં. હવે 2026માં સિલ્વર મેડલ સાથે મિરાબાઈની મેડલ કેબિનેટ પૂર્ણ થઈ ગઈ છે.

જય મીણાએ નવો રેકોર્ડ બનાવ્યો
ભારતીય ખેલાડી જય મીનાએ એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનિસમાં શાનદાર પ્રદર્શન કર્યું અને દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ફિલિપાઇન્સના શેરવિન નુગુઇટને 4-3ના નજીકના માર્જિનથી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. સેમિફાઇનલ મેચમાં, તે જાપાનના તાકુયા કુરોસાકા સામે 2-4થી હારી ગયો. કારણ કે આ રમતમાં, સેમિફાઇનલમાં પહોંચનારા બધા ખેલાડીઓ મેડલ જીતશે તે નિશ્ચિત છે, તેથી જય મીનાએ સેમિફાઇનલમાં હાર છતાં બ્રોન્ઝ મેડલ જીત્યો. જય મીણા એક ઉભરતા ભારતીય સોફ્ટ ટેનિસ ખેલાડી છે. તેમણે 2025 એશિયન સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો, અને ટુર્નામેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા.

રોશિબિના દેવી
ભારતની રોશિબિના દેવીએ ચાઇનીઝ માર્શલ આર્ટ રમત વુશુની સ્પર્ધામાં મકાઉની હરીફને 60 કિલોની ક્વોર્ટર ફાઇનલ મેચમાં હરાવીને એશિયન ગેમ્સમાં દેશ માટે મેડલ નિશ્ચિત કર્યો. અગાઉ તેણે 2018માં બ્રોન્ઝ મેડલ અને 2022માં સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઉપરાંત ભારતની સ્ક્રીટ ટીમના રાઇઝા ઢિલન, મહેશ્ર્વરી ચૌહાણ અને પરીનાઝ ધાલીવાલે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.