જામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારતા ગર્ભવતી બની

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં ચકચાર મચી છે. સુરેન્દ્રનગર પંથકના પૃથ્વીરાજસિંહ ઝાલા નામના શખ્સે સગીરા સાથે પ્રેમસંબંધ કેળવી…

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં ચકચાર મચી છે. સુરેન્દ્રનગર પંથકના પૃથ્વીરાજસિંહ ઝાલા નામના શખ્સે સગીરા સાથે પ્રેમસંબંધ કેળવી લગ્ન કરવાની લાલચ આપીને શારીરિક શોષણ કર્યું હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પ્રકરણમાં સગીરાને નવ માસનો ગર્ભ હોવાનું પણ સામે આવ્યું છે. ફરિયાદના આધારે જામજોધપુર પોલીસે પોક્સો સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદની વિગતો મુજબ, જામજોધપુર પંથકમાં રહેતી સગીરાનો સુરેન્દ્રનગર પંથકના પૃથ્વીરાજસિંહ ઝાલા સાથે સામાજિક પ્રસંગ દરમિયાન પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન સગીરાને ગર્ભ રહી ગયો હતો.

આઠથી નવ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યા બાદ અને આરોપીએ સગપણ કર્યા બાદ લગ્ન કરવાની ના પાડી દેતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સગીરાની ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી તરફ, ગુનો નોંધાયા બાદ જામજોધપુર પોલીસની ટીમે સુરેન્દ્રનગર પંથકમાં જઈ આરોપી પૃથ્વીરાજસિંહ ઝાલાને ઝડપી લીધો હતો. આરોપીને જામજોધપુર લાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.