ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક કાચા રસ્તાઓના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. તો ક્યાંક એક સાથે ભારે વરસાદ ખાબકવાથી પાણી ભરાઈ જતા તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે આ બધા વચ્ચે મંત્રીઓ કે સરકારના નેતાઓને કોઈ તકલીફ પડતી નથી. પણ લોકોને સતત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આજે આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં રિવાબાનો કાફલો કાચા રસ્તામાં ફસાયો અને તેમના માટે નવો રસ્તો બનાવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહેલા રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના કાફલાને બિસ્માર રસ્તાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કવાંટ તાલુકાના હાફેશ્વર અને માનુકલા ગામમાં નવનિર્મિત ‘ક્ધટેનર શાળા’ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. ડુંગરાળ વિસ્તારમાં આવેલા કાચા અને કીચડભર્યા રસ્તા પર તેમની સરકારી કાર આગળ વધી શકી નહોતી. અંતે તેમને મામલતદારની ગાડીમાં બેસીને કાર્યક્રમ સ્થળ સુધી જવું પડ્યું હતું.
કાર્યક્રમ સ્થળ સુધી પહોંચતા પહેલાં અંદાજે છ કિલોમીટરનો રસ્તો અત્યંત કાચો, કીચડવાળો, ઉબડખાબડ અને ડુંગરના ઢોળાવવાળો હોવાથી મંત્રીની કાર આગળ જઈ શકી નહોતી. ભારે વરસાદના કારણે માર્ગ વધુ જોખમી બન્યો હતો, જેના કારણે વાહન વ્યવહાર લગભગ અશક્ય બની ગયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક ઉંઈઇ મશીન બોલાવી રસ્તા પર માટી અને કાંકરીનું પુરાણ કરાવ્યું હતું. માર્ગ થોડો સમતળ બન્યા બાદ મંત્રી અને અધિકારીઓનો કાફલો માંડ-માંડ આંબાડુંગરના માનુકલા ગામે પહોંચ્યો અને નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપી હતી.
હવે સૌથી મોટો પ્રશ્ન અહીંયા એ છે કે સરકારને જનતા જયારે ટેક્સ ભરે છે ત્યારે દેશ કે રાજ્યની અર્થવ્યવસ્થા ચાલતી હોય છે. પણ આ જનતાએ ભરેલા ટેક્સનો મંત્રીઓ માટે રસ્તો બનાવવામાં ઉપયોગ થાય છે. પરંતુ આ જનતા જયારે કાચા રોડરસ્તાઓન કારણે હાલાકી ભોગવતી હોય છે. એક તરફ ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થાય છે. બે ગામો વચ્ચેનો સંપર્ક તૂટી જાય છતાં સરકાર જાગતી નથી પણ જો તેમના મંત્રીઓને તકલીફ પડે તો રસ્તાઓ તાત્કાલિક બની જતા હોય છે. આ છે આપણા ગુજરાતની વરવી વાસ્તવિકતા.
