Site icon Gujarat Mirror

આતંકવાદીઓ સામે લશ્કરી કાર્યવાહીનો અર્થ પાક. સાથે યુધ્ધ છે અને એ ચોખ્ખી વાત છે

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત સરકારે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરવી જોઈએ એવી લોકલાગણી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે શું કાર્યવાહી કરવી એ લશ્કર પર છોડયું છે. મોદીએ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણ, નેશનલ સીક્યુરિટી એડવાઈઝર અજીતકુમાર ડોભાલ અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વીવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠી અને એરફોર્સ ચીફ અમરપ્રિતસિંહ એમ લશ્કરની ત્રણેય પાંખના વડાની બેઠકમાં સ્પષ્ટ કર્યું કે, આતંકવાદ સામેની લડાઈમાં જે પણ કાર્યવાહી કરવી હોય એ કરવાની આર્મીને છૂટ છે.

મોદી ભારતીય લશ્કર પર સંપૂર્ણ વિશ્વાસ દર્શાવે એ સારું છે પણ આતંકવાદ સામેની કાર્યવાહીના મુદ્દે સરકાર આર્મી પર નિર્ણય છોડવાના બદલે પોતે નક્કર નિર્ણય લે એ જરૂૂરી છે. તેનું કારણ એ કે, ભારતમાં આતંકવાદ આંતરિક સુરક્ષાનો મુદ્દો નથી પણ બાહ્ય સુરક્ષાનો પણ મુદ્દો છે.

ભારતમાં આતંકવાદ બીજા દેશોની દેન હોવાથી આતંકવાદ સામેની કાર્યવાહી કરવાનો અર્થ બીજા દેશ સામે લશ્કરી કાર્યવાહી કરવાનો છે. આ કાર્યવાહી કરવાનો નિર્ણય આર્મી પર ના છોડી શકાય. ભારતમાં ઘૂસીને આતંકવાદ ફેલાવતા આતંકવાદીઓ સામે ઈન્ડિયન આર્મી પોતાની રીતે કાર્યવાહી કરે અને એક્શન લે એ બરાબર છે પણ પાકિસ્તાન સામે કાર્યવાહીનો નિર્ણય આ દેશની સરકારે જ લેવો પડે.

પીઓકેમાં અત્યારે પાકિસ્તાન આર્મી તહેનાત છે એ સંજોગોમાં ભારત હુમલો કરે તો પાકિસ્તાન આર્મી તેનો જવાબ આપવાનું જ છે. એ સંજોગોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફુલ ફ્લેજ વોર જ થઈ જાય. યુદ્ધ એ ખાવાના ખેલ નથી એ જોતાં મોદી સરકાર બધી બાબતોનો વિચાર કરે એ જરૂૂરી છે તેથી પાકિસ્તાન સામેની કોઈ પણ કાર્યવાહી કરવાનો નિર્ણય રાતોરાત ના લઈ શકાય. મોદીની આ મર્યાદા સમજી શકાય એવી છે એ જોતાં મોદી સરકાર શાંતિથી નિર્ણય લે અને બધું વિચારીને નિર્ણય લે, તેના માટે સમય પણ લે તો તેમાં કશું ખોટું નથી પણ નિર્ણય મોદી સરકારે જ લેવો પડે.

Exit mobile version