2022ના ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને ટ્રોફી અપાવનાર સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી આ વખતે કદાચ છેલ્લી વખત વિશ્વ કપમાં જોવા મળશે, પરંતુ તેની ઈજા એ તેના દેશની ટીમને તેમ જ અસંખ્ય ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. ત્રણ અઠવાડિયામાં જીવનના 39 વર્ષ પૂરા કરનારો મેસી તાજેતરમાં આર્જેન્ટિનાની એક મેચમાં નહોતો રમ્યો અને ત્યાર બાદ હવે શનિવારે તે હોન્ડુરસ સામેની આર્જેન્ટિનાની ફ્રેન્ડલી મેચમાં પણ નહોતો રમ્યો.
આર્જેન્ટિના આ મેચ 2-0થી જીતી ગયું હતું અને મેસીએ બેન્ચ પર બેઠા-બેઠા એ જીત માણી હતી. મેસીને સ્નાયુઓમાં ખૂબ દુખાવો છે. ખાસ કરીને તેને ડાબા પગમાં સાથળની પાછળના ભાગમાં અસહ્ય દુખાવો છે જેને લીધે તે હમણાં રમવાનું ટાળે છે. ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ 26 મેચ રમવાનો વિશ્વવિક્રમ મેસીના નામે છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ 16 ગોલનો જર્મનીના મિરોસ્લાવ ક્લોઝનો વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે મેસીને માત્ર ચાર ગોલની જરૂૂર છે.
