અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાંથી 10 તાલુકામાં દોઢ ઇંચથી માંડી 11 ઇંચ વરસાદ પડી જતા રાજુલા- ખાંભા- ધારી- સાવરકુંડલા સહીતના તાલુકાઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે અને 200થી વધુનું સ્થળાંતર કરાયું છે. જયારે રાજુલા- જાફરાબાદ- ધારી, સાવરકુંડલા અને ખાંભા તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરાઇ છે.
આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં રાજુલામાં 11 ઇંચ, સાવરકુંડલામાં પાંચ, ધારીમાં 10.50, જાફરાબાદમાં પાંચ, ખાંભામં 7, લિલિયામાં 4.25, બગસરામાં 4.25, બાબરામાં 4.25 અને વડીયામાં 1.50 ઇંચ વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ખાબકેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નદી-નાળાઓમાં ઘોડાપૂર આવતાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ આપત્તિજનક સ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસકાફલો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની જબરી કસોટી થઇ છે.
અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે અનેક વિસ્તારોમાં ગંભીર પરિસ્થિતિ ઊભી કરી છે. ખાસ કરીને જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાના વઢેરા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા સેંકડો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામમાં પૂરનાં પાણી વચ્ચે ફસાયેલા 68થી વધારે લોકોનું ફાયર વિભાગે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સફળતાપૂર્વક બચાવ કર્યું છે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને નદીઓના જળસ્તર તેમજ વરસાદની સ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના બવાડી ગામની સીમમાં શેત્રુંજી નદીના પૂરના પાણી ફરી વળતાં એક પરપ્રાંતિય પરિવારના 8 સભ્ય આખી રાત વાડી વિસ્તારમાં ફસાયેલા રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટરની સૂચનાથી લીલીયા મામલતદાર, ટી.ડી.ઓ. સહિત વહીવટી તંત્રની ટીમ ભારે પૂર વચ્ચે પણ રાતભર ખડેપગે રહી હતી. તંત્ર દ્વારા અલગ-અલગ વાડી વિસ્તારોમાં ફસાયેલા આ તમામ 8 લોકોને ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢીને દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
ચલાલા
ચલાલા નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લીધે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની ગંભીરતા સમજીને સ્થાનિક વહીવટી તંત્ર અને નગરપાલિકાની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી. સંકલિત બચાવ કામગીરી હાથ ધરીને નીચાણવાળા વિસ્તારોમાંથી અંદાજિત 100 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલ ચલાલામાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે અને તંત્ર દ્વારા પળેપળની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
જાફરાબાદ
જાફરાબાદ તાલુકાના વઢેરા ગામના પ્લોટ વિસ્તારમાં પૂરના ધસમસતા પ્રવાહ ફરી વળ્યા હતા. ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ફસાઈ ગયા હતા. આ સમયે સ્થાનિક પોલીસના જવાનો વહારે આવ્યા હતા. પોલીસે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા, પોતાની જાનના જોખમે પૂરના પાણીમાં ઊતરીને માસૂમ બાળકો અને અસહાય વૃદ્ધોને તેડીને તથા સહારો આપીને સુરક્ષિત સ્થળે બહાર કાઢ્યા હતા.
સાવરકુંડલા
સાવરકુંડલાના જુના સાવર ગામે બની હતી. ઉનાથી જામનગર તરફ કાર ટોઇંગ કરીને લઈ જઈ રહેલી એક ક્રેન અને કાર જુના સાવર ગામ નજીક અચાનક નદીના વહેણમાં તણાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારચાલક યુવક મન્સૂરી રિજવાનભાઈ રફીકભાઈ, ઉંમર 21 વર્ષ, રહે. ઉના) જીવ બચાવવા માટે કારની છત પર ચડી ગયો હતો અને ભારે પૂર વચ્ચે 5 કલાક સુધી ફસાયેલો રહ્યો હતો.
ધારી
ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામમાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા 68 લોકો માટે ફાયર વિભાગે વિશેષ બચાવ અભિયાન હાથ ધર્યું હતું. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની સીધી સૂચનાના આધારે શરૂૂ કરાયેલા આ રેસ્ક્યુ ઓપરેશનમાં અમરેલી ફાયર વિભાગના જવાનોએ જોખમ વચ્ચે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થતાં સ્થાનિકોમાં રાહતનો શ્વાસ લેવાયો હતો.
જયારે વઢેરા ગામના અંદાજે 200થી 300 ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. તેમના જણાવ્યા મુજબ રાત વધતા પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને સવાર સુધી પાણી ઉતરવાની કોઈ શક્યતા દેખાતી નથી. પ્લોટ વિસ્તારમાં રહેતા લોકોને શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે, જ્યાં રહેવા અને જમવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ગામના સરપંચ, આગેવાનો અને સરકારી તંત્રના કર્મચારીઓ સતત રાહત કામગીરીમાં વ્યસ્ત છે.

