ગુજરાત પોલીસમાં નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે મોટી ભરતીની જાહેરાત સામે આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ-3ની લોકરક્ષક અને ટેકનિકલ કેડરની કુલ 3,000 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. જેમાં લોકરક્ષક કેડરની 2,841 જગ્યાઓનો સમાવેશ થાય છે.
બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને SRPF કોન્સ્ટેબલ સહિત વિવિધ સંવર્ગોમાં ભરતી કરવામાં આવશે. બિનહથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 1,000-1,000 જગ્યાઓ, જ્યારે SRPFમાં 841 જગ્યાઓ ભરવામાં આવશે.
આ ઉપરાંત ટેકનિકલ કેડરમાં હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ-2ની 133 જગ્યાઓ અને મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ-2ની જગ્યાઓ માટે પણ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.
લોકરક્ષક કેડરની ભરતી માટે ધોરણ-12 પાસ ઉમેદવારો અરજી કરી શકશે. જ્યારે ટેકનિકલ કેડરની જગ્યાઓ માટે સંબંધિત ટ્રેડની ટેકનિકલ લાયકાત અને એપ્રેન્ટિસશિપની શરતો લાગુ પડશે.
ઉમેદવારો 26 નવેમ્બર, 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી OJASની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ડિસેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે.
ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, શારીરિક કસોટી અને ભરતીના નિયમોની વિગતવાર માહિતી સત્તાવાર જાહેરાતમાં તપાસવી જરૂરી રહેશે.
ગુજરાત પોલીસમાં ભરતી થવા ઇચ્છતા યુવાનો માટે આ એક મોટી તક છે. ઉમેદવારોએ અત્યારથી જ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખી ભરતી પ્રક્રિયાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ.
ઉમેદવારો OJASની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. ભરતી અંગેની વિગતવાર માહિતી અને સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ https://gprb.gujarat.gov.in પર ઉપલબ્ધ રહેશે.
