દરિયાઇ વેપાર માટે 71,000 કરોડનો મેગા પ્લાન: 4 નવા શિપયાર્ડ, 6 પોર્ટ બનશે

વૈશ્વિક મરીન અને જહાજ નિર્માણ ક્ષેત્રે ભારતની ઉપસ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા ‘શિપબિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી ઓફ ગુજરાત 2026’ નો સત્તાવાર…

વૈશ્વિક મરીન અને જહાજ નિર્માણ ક્ષેત્રે ભારતની ઉપસ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા ‘શિપબિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી ઓફ ગુજરાત 2026’ નો સત્તાવાર અમલ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા રાજ્યના દરિયાકાંઠે ₹58,953 કરોડના મૂડીરોકાણ સાથે ગ્રીનફીલ્ડ શિપબિલ્ડિંગ અને શિપ રિપેર ક્લસ્ટર્સ સ્થાપવાની કવાયત હાથ ધરાઈ છે.

વૈજ્ઞાનિક પ્રી-ફિઝિબિલિટી અભ્યાસ પૂર્ણ થયા બાદ રાજ્યના 4 મહત્વના દરિયાકાંઠા પર આ મેગા પ્રોજેક્ટ્સ સાકાર કરવામાં આવશે. આ ઉપરાંત દરિયાઈ વ્યાપારને બળ આપવા માટે ₹12,320 કરોડના ખર્ચે છ નવા અત્યાધુનિક ગ્રીનફીલ્ડ પોર્ટ્સ પણ વિકસાવવાની મંજૂરી આપવામાં આવી છે.

પોરબંદર સ્થિત કુછડી ખાતે રાજ્યનો સૌથી મોટો ફ્લેગશિપ ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક ઊભો કરવામાં આવશે. 823 હેક્ટર જમીન અને 2.7 કિલોમીટર લાંબા વોટરફ્રન્ટ સાથેના આ પ્રોજેક્ટમાં ક્લસ્ટર પાછળ અંદાજે ₹27,000 કરોડનું મૂડીરોકાણ થશે, જેમાં લેન્ડ-સાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹3300 કરોડની નાણાકીય સહાય કેન્દ્ર સરકારની શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ (SbDS) તેમજ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. આ યાર્ડ વાર્ષિક 1.2થી 1.5 મિલિયન ગ્રોસ ટનેજ (GT) ની નિર્માણ ક્ષમતા ધરાવતું હશે, જ્યાં વિશ્વ કક્ષાના મહાકાય જહાજોનું નિર્માણ શક્ય બનશે.

રાજ્યના અન્ય ત્રણ સ્થળો પર પણ વિશાળ શિપયાર્ડ્સ નિર્માણ પામશે. જેમાં ભાવનગર-ઘોઘા-વઢેરા-મીઠાપુર ક્લસ્ટરમાં 535 હેક્ટર વિસ્તાર અને 2.4 કિમી વોટરફ્રન્ટ સાથે વાર્ષિક 0.6થી 0.8 મિલિયન જીટી ક્ષમતા ધરાવતું યાર્ડ વર્તમાન મરીન ઇકોસિસ્ટમ વચ્ચે આકાર લેશે.

દક્ષિણ સૌરાષ્ટ્ર કાંઠે પ્રારંભિક 250 હેક્ટર જમીન (ભવિષ્યમાં 300 હેક્ટર સુધી વિસ્તરણપાત્ર) અને 5 કિ.મી. લાંબા વોટરફ્રન્ટ પર વાર્ષિક 0.6થી 0.8 મિલિયન જીટી ક્ષમતાનું યાર્ડ સ્થપાશે, જેને નેશનલ હાઈ-વે 51, રેલવે નેટવર્ક અને અમરેલી એરપોર્ટની શ્રેષ્ઠ કનેક્ટિવિટીનો સીધો લાભ મળશે. જ્યારે પશ્ચિમ મરિટાઇમ કોરિડોરમાં 260 હેક્ટર જમીન અને 2.3 કિ.મી. વોટરફ્રન્ટ સાથે સમાન ક્ષમતા ધરાવતું આધુનિક યાર્ડ તૈયાર કરાશે.
ૠખઇના એમડી અને ઈખઘમાં ફરજ બજાવતા ઈંઅજ અધિકારી અજયકુમારના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ્સ માત્ર જહાજ બાંધવા પૂરતા મર્યાદિત ન રહેતાં અહીં ઓફશોર ફેબ્રિકેશન, ડ્રાય ડોક્સ, મરીન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ, સંશોધન અને વિકાસ (RD) કેન્દ્રો, ટેસ્ટિંગ સુવિધાઓ તેમજ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ સાથેનો સંપૂર્ણ ઉદ્યોગ સમૂહ વિકસાવવામાં આવશે.

વધુમાં, રાજ્યમાં છ નવા બંદરો કાર્યરત થવાથી ગુજરાતની વાર્ષિક કાર્ગો વહન ક્ષમતામાં આશરે 124 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA) નો જંગી વધારો થશે.

યોજના હેઠળ વિકસાવવામાં આવનારા નવા બંદરોમાં મુન્દ્રા મરિટાઇમ કોરિડોર નજીકનું પોર્ટ પશ્ચિમ ગુજરાત માટે મુખ્ય ઔદ્યોગિક ગેટવે બનશે, જે કોલસો, મિનરલ્સ અને પેટ્રોકેમિકલ્સ માટે વાર્ષિક 15થી વધુ MMTPAની કાર્ગો ક્ષમતા ધરાવશે. સિમેન્ટ અને કેમિકલ્સ ઉત્પાદનો માટે 15 MMTPAની સુવિધા ઉપલબ્ધ કરાશે.

ભોગાત SPM અને પાઇપલાઇન નેટવર્ક સાથે જોડાનાર પોર્ટ રાજ્યનું મુખ્ય ‘એનર્જી પોર્ટ’ બનશે, જ્યાં લિક્વિડ કાર્ગો અને પેટ્રોલિયમ ઉત્પાદનો માટે 15 MMTPAની ક્ષમતા રહેશે. આ ઉપરાંત ટેક્સટાઇલ અને એક્ઝિમ (EXIM) ટ્રેડ માટે 15થી વધુ MMTPA તેમજ દક્ષિણ ગુજરાતમાં બલ્ક કોમોડિટી અને મિનરલ્સ માટે 15 MMTPAનું બલ્ક કાર્ગો ગેટ-વે પોર્ટ તૈયાર કરવામાં આવશે.