દિલ્હીના પાલમ વિસ્તારમાં આવેલ સાધ નગરમાં આજે એક રહેણાંક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત નવ લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આ આગ ઓલાવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. આગ લાગતાની સાથે જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
https://x.com/ANI/status/2034134099309560210?s=20
દિલ્હીમાં આજે સવારે એક ભયંકર અગ્નિ ઘટના બની હતી..પાલમના સાધ નગર વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં સવારે 7 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખા મકાનને ઝપેટમાં લઈ લીધું હતું, જેમાં એક જ પરિવારના સભ્યો ફસાઈ ગયા હતા.દિલ્હી ફાયર સર્વિસને સવારે 7 વાગ્યે આગની જાણ થતા જ તાત્કાલિક ધોરણે 30 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ અને ઈમરજન્સી સેવાઓની મદદથી ઈમારતમાં ફસાયેલા 9 જેટલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
બિલ્ડીંગમાં આશરે 22 લોકોનો પરિવાર રહે છે; જોકે, તે સમયે પરિવારના 10 થી 12 સભ્યો ગોવાના પ્રવાસે હતા. જે લોકો ઘરમાં હતા તેઓ આગની લપેટમાં આવી ગયા હતા. ઇમારતની અંદર લાગેલી આગ પર મોટાભાગે કાબુ મેળવી લેવામાં આવ્યો છે, જોકે આગ હજુ સુધી સંપૂર્ણપણે ઓલવાઈ નથી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું કે, આગ રહેણાંક મકાનમાં લાગી હતી અને તેમાં ફસાયેલા લોકો પૈકી 9 લોકોના મોત થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ લાગવાનું સચોટ કારણ અત્યારે જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે.

