ધૂડસિયા ગામના શખ્સને સગીર ભત્રીજી ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં 20 વર્ષની સખત કેદ

જામનગર તાલુકાના ધૂડસિયા ગામના એક નરાધમ શખ્સએ પોતાની સગીર ભત્રીજીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ આચરવાના કેસમાં જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની…

જામનગર તાલુકાના ધૂડસિયા ગામના એક નરાધમ શખ્સએ પોતાની સગીર ભત્રીજીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ આચરવાના કેસમાં જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ રૂૂ. 15 હજારનો દંડ અને પીડિતાને રૂૂ. 4 લાખ વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

કેસની હકીકત મુજબ, ફરિયાદીની 16 વર્ષ 4 માસની સગીર પુત્રીને તેના જ કુટુંબી કાકા જગદીશ કાળુભાઈ સીતાપરા (ઉંમર 35 વર્ષ), રહે. ધુડસિયા, તા. જામનગરએ પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાને મોબાઇલ ફોન આપી તેની સાથે સતત વાતચીત શરૂૂ કરી હતી અને બાદમાં રાત્રિના સમયે નજીકના વંડામાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

ત્યારબાદ તા. 18-06-2023ના રોજ આરોપી સગીરાને રાત્રે દોઢ વાગ્યાના અરસામાં રણુજાથી એસ.ટી. બસમાં રાજકોટ અને ત્યાંથી ગાંધીનગર લઈ ગયો હતો. ત્યાં તેમજ અન્ય સ્થળોએ લગભગ સાત મહિના સુધી પોતાની સાથે રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

આ અંગે ફરિયાદીએ પંચકોશી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366, 376(2) તેમજ પોક્સો અધિનિયમની કલમ 4, 6 અને 12 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કેસ જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં પોક્સો કેસ નં. 41/2024 તરીકે ચાલ્યો હતો. કેસ દરમિયાન સરકાર પક્ષે 16 સાક્ષીઓ તથા 63 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.

સરકાર પક્ષના વકીલે દલીલ કરી હતી કે આરોપીને પીડિતા સગીર હોવાનું તેમજ તે પોતાની જ ભત્રીજી હોવાનું જાણતા હોવા છતાં તેણે ગંભીર ગુનો આચર્યો છે. દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ આર. પી. મોંગેરાએ આરોપીને પોક્સો અધિનિયમની કલમ 4 હેઠળ 10 વર્ષની સખત કેદ તથા કલમ 6 હેઠળ 20 વર્ષની સખત કેદ, રૂૂ. 15,000 દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટએ ઉપરાંત પીડિતાને રૂૂ. 4 લાખનું વળતર (કમ્પન્સેશન) ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષ તરફથી સરકારી વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.