શાપરમાં પત્નીની છેડતી કરતાં શખ્સને સમજાવવા ગયેલા પતિને માર પડયો
જસદણમાં રહેતાં અને વિંછીયામાં લેબોરેટરી ધરાવતાં સંચાલકને ‘તું મારી સામુ કેમ જુવે છે ?’ તેમ કહી એક શખ્સે પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જસદણમાં રહેતાં અશ્ર્વિન મનસુખભાઈ ગુજરાતી નામનો 30 વર્ષનો યુવાન વિંછીયામાં આવેલી પોતાની લેબારેટરી પાસે હતો ત્યારે હડમતીયા ગામના દેવરાજ રબારીએ ‘તું મારી સામે જુવે છે?’ તેમ કહી પાઈપ વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
બીજા બનાવમાં શાપરમાં રહેતાં ચંદન યાદવ નામનો 31 વર્ષનો યુવક પત્નીની છેડતી કરતાં વિક્રમ રાઠોડને સમજાવવા માટે ગયો હતો ત્યારે વિક્રમ રાઠોડ, દિવ્યેશ રાઠોડ અને જયોતીષ રાઠોડ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
મોરબીમાં બાઈક સરખુ ચલાવવાનું કહેતા પ્રૌઢા પર હુમલો
મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા લાભનગરમાં રહેતા કંચનબેન પ્રવિણભાઈ દેગામા (ઉ.45) પોતાના ઘર પાસે હતો ત્યારે મુકેશ નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં હુમલાખોરે પોતાનું બાઈક લઈ પુરપાટ ઝડપે ધસી આવ્યો હતો અને કંચનબેનના દિકરા દિપકને બાઈકની ઠોકરે ચડાવ્યો હતો. જેથી કંચનબેને ઠપકો આપતાં હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
