પરમાણુ બોમ્બ બનાવવો ઇસ્લામમાં હરામ, ઇરાનના પ્રતિનિધિનું નિવેદન

યુધ્ધના અંતની વાતો વચ્ચે ડો.અબ્દુલ મજીદ હકીમની વારાણસીમાં સ્પષ્ટ વાત ઈરાનના સર્વોચ્ચ નેતાના ભારતમાં પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીના એક નિવેદને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી…

યુધ્ધના અંતની વાતો વચ્ચે ડો.અબ્દુલ મજીદ હકીમની વારાણસીમાં સ્પષ્ટ વાત

ઈરાનના સર્વોચ્ચ નેતાના ભારતમાં પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીના એક નિવેદને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. વારાણસીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ કહ્યું કે, ઈરાનને પરમાણુ હથિયાર નથી જોઈતા, કારણ કે ઈસ્લામમાં તેને હરામ માનવામાં આવ્યા છે. તેમના આ નિવેદન બાદ વૈશ્વિક સ્તરે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે માહોલ થોડો નરમ પડતો દેખાઈ રહ્યો છે.

ડો. હકીમ ઈલાહીએ જણાવ્યું કે, ઈરાને ત્રણ દાયકા પહેલા જ દુનિયા સામે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું. તેમણે કહ્યું કે, આશરે 30 વર્ષ પહેલા અમે સાફ અને સ્પષ્ટ રીતે એલાન કર્યું હતું કે અમે પરમાણુ હથિયાર નથી ઈચ્છતા. અમારા સર્વોચ્ચ નેતા દ્વારા જારી કરાયેલા ફતવા અનુસાર પરમાણુ હથિયાર રાખવા ઇસ્લામમાં હરામ છે. તેથી અમે તેને ન તો પહેલા ઈચ્છતા હતા અને ન તો અત્યારે ઈચ્છા રાખીએ છીએ.

ઈરાની પ્રતિનિધિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા, ઈઝરાયેલ અને પશ્ચિમી દેશો સાથે લાંબા સમયથી તણાવ બનેલો છે. તાજેતરના મહિનાઓમાં વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે કેટલાય રાઉન્ડની વાતચીત થઈ છે, જેમાં પરમાણુ ગતિવિધિઓને મર્યાદિત કરવા અને ક્ષેત્રીય તણાવ ઓછો કરવા પર ચર્ચા ચાલી રહી છે.