નાઈજીરિયામાં મોટી દુર્ઘટના: વાયુસેનાનું પ્લેન ક્રેશ થતાં 32 લોકોના મોત

  નાઇજીરિયામાં મોટી દુર્ઘટના બની છે. દક્ષિણ નાઇજીરિયાના ઓન્ડો રાજ્યમાં આવેલું ઇગ્બોકોડા વિસ્તારમાં વાયુસેનાનું એક સૈન્ય વિમાન ક્રેશ થયું હતું. આ ભયાનક વિમાન દુર્ઘટનામાં 32…

 

નાઇજીરિયામાં મોટી દુર્ઘટના બની છે. દક્ષિણ નાઇજીરિયાના ઓન્ડો રાજ્યમાં આવેલું ઇગ્બોકોડા વિસ્તારમાં વાયુસેનાનું એક સૈન્ય વિમાન ક્રેશ થયું હતું. આ ભયાનક વિમાન દુર્ઘટનામાં 32 લોકોના મોત થયા હોવાની આશંકા છે, જેમાં કોઈ પણ વ્યક્તિ જીવિત બચ્યું હોવાની સંભાવના નહિવત્ છે. નાઇજીરીયાના ઉડ્ડયન મંત્રી ફેસ્ટસ કિયામોએ જણાવ્યું હતું કે આ વિમાન દેશના આર્થિક કેન્દ્ર ગણાતા લાગોસ જઈ રહ્યું હતું ત્યારે ઓન્ડો રાજ્યના ઇગ્બોકોડા વિસ્તારમાં તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

નાઇજીરીયન વાયુસેનાએ વિમાનની ઓળખ ATR-42 તરીકે કરી હતી અને પુષ્ટિ કરી હતી કે તાત્કાલિક શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કુલ 32 લોકો સવાર હતા, જેમાં 25 સામાન્ય મુસાફરો અને 7 સૈન્ય ક્રૂ સભ્યોનો સમાવેશ થતો હતો. નાઇજીરિયાના પ્રમુખ બોલા અહમદ ટિનુબુએ આ ભયાનક અકસ્માતની સત્તાવાર પુષ્ટિ કરી છે અને મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, નાઇજીરિયન વાયુસેનાનું ATR-42 મોડેલનું વિમાન બેનિન સિટીથી લાગોસ તરફ પોતાના નિયમિત મિશન પર ઉડાન ભરી રહ્યું હતું. આ કોઈ વિશેષ ઇમરજન્સી કે ઓપરેશનલ ફ્લાઇટ નહોતી પરંતુ રોજિંદી સામાન્ય સૈન્ય સફર હતી. ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં અચાનક એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને ક્ષણભરમાં પ્લેન ઓંડો રાજ્યના ઇગ્બોકોડા વિસ્તારમાં તૂટી પડ્યું હતું.

નાઇજીરિયાના ઉડ્ડયન મંત્રી ફેસ્ટસ કીયામોએ ઘટનાક્રમની વિગતો આપતાં જણાવ્યું કે એર ટ્રાફિક કંટ્રોલે સોમવારે સવારે વિમાન સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. ત્યારબાદ વિમાન ક્રેશ થયાની પુષ્ટિ થઈ હતી. પ્લેનનો કાટમાળ કોસ્ટલ વિસ્તાર પાસે મળી આવ્યો હતો. જે બાદ તાબડતોબ બચાવ ટુકડીઓ દોડી ગઈ હતી અને બોટની મદદથી પાણી અને કાંઠાના વિસ્તારોમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.