કૃષિ વિભાગમાં ધરખમ ફેરફારો, એક સાથે 200 અધિકારીઓની બદલીના હુકમ

ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ જોવા મળ્યો છે. રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં ફરજ બજાવતા વર્ગ-1 અને વર્ગ-2ના 200થી વધુ…

ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ જોવા મળ્યો છે. રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં ફરજ બજાવતા વર્ગ-1 અને વર્ગ-2ના 200થી વધુ અધિકારીઓની સાગમટે બદલી અને બઢતીના આદેશો જાહેર કર્યા છે. રાજ્યપાલના આદેશથી કૃષિ વિભાગના ઉપ સચિવ ભુપત ચૌહાણ દ્વારા આ અંગેની સત્તાવાર અધિસૂચનાઓ બહાર પાડવામાં આવી છે. કૃષિ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ અનુસાર, ગુજરાત ખેતી સેવાના ખેતી અધિકારી, વર્ગ-2 સંવર્ગ (પે મેટ્રિક્સ લેવલ-7) હેઠળ ફરજ બજાવતા કુલ 115 અધિકારીઓની જાહેર હિત તેમજ સ્વ-વિનંતીથી તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.

આ તમામ અધિકારીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મુખ્ય મથકો ખાતે મૂકવામાં આવ્યા છે. જેમાં નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), મદદનીશ ખેતી નિયામક અને જિલ્લા ખેતીવાડી કચેરીઓમાં નવી નિમણૂકો અને જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ ઉપરાંત બીજી એક મહત્વની અધિસૂચના મુજબ, નાયબ ખેતી નિયામક અને જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1 (પે મેટ્રિક્સ લેવલ-11) સંવર્ગના 79 જેટલા ઉચ્ચ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. આ તમામ બદલીઓ જાહેર હિતને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં આંતરિક ધોરણે કરવામાં આવી છે.

આ મોટા ફેરબદલમાં અધિકારીઓને સચિવાલય (કૃષિ ભવન) તેમજ વિવિધ બોર્ડ અને નિગમોમાં નવી જવાબદારીઓ અપાઈ છે. જેમાં ગુજરાત એગ્રો, બીજ નિગમ, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ જિલ્લા પંચાયતોના ખેતીવાડી અધિકારીઓની જગ્યાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે. આ વ્યાપક વહીવટી પ્રક્રિયા દરમિયાન મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 (પે મેટ્રિક્સ લેવલ-9) તરીકે ફરજ બજાવતા 8 જેટલા અધિકારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી અને યોગ્યતાના ધોરણે પ્રમોશન (બઢતી) આપવામાં આવ્યું છે. તેઓને હવે નાયબ ખેતી નિયામક અથવા જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1 ના અત્યંત મહત્વના પદ પર મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને બઢતી મેળવનાર અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ નિયત સમયમર્યાદામાં પોતાની નવી જગ્યાએ હાજર નહીં થાય, તો તેઓની બઢતી આપોઆપ રદ ગણવામાં આવશે.