NEET પેપરલીક કેસમાં મોટી ધરપકડ: NTA પેનલની શિક્ષિકાએ જ બાયોલોજીનું પેપર કર્યું લીક

  NEET-UG પરીક્ષાના પેપર લીક કેસમાં CBIએ વધુ એક મોટી સફળતા મેળવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ પુણેના એક વરિષ્ઠ વનસ્પતિશાસ્ત્ર વિષયની ટીચર મનીષા ગુરુનાથ મંડરેની…

 

NEET-UG પરીક્ષાના પેપર લીક કેસમાં CBIએ વધુ એક મોટી સફળતા મેળવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ પુણેના એક વરિષ્ઠ વનસ્પતિશાસ્ત્ર વિષયની ટીચર મનીષા ગુરુનાથ મંડરેની દિલ્હીમાંથી ધરપકડ કરી છે. મનીષાને NEET-UG 2026 બાયોલોજી પેપર લીક પાછળનો કથિત માસ્ટરમાઇન્ડ ગણાવવામાં આવી રહ્યો છે. કોલેજના સૂત્રોના જણાવ્યા અનુસાર, મનીષા છેલ્લા પાંચથી છ વર્ષથી NTA વતી NEET પરીક્ષા માટે પ્રશ્નપત્રો તૈયાર કરવાની પ્રક્રિયામાં યોગદાન આપી રહી હતી.

CBIના જણાવ્યા અનુસાર, મનીષાને NTA દ્વારા NEET-UG 2026 પરીક્ષા પ્રક્રિયામાં નિષ્ણાત તરીકે નિયુક્ત કરવામાં આવી હતી અને તેમને વનસ્પતિશાસ્ત્ર (Botany) અને પ્રાણીશાસ્ત્ર (Zoology) પેપરની જવાબદારી સોંપવામાં આવી હતી.

તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે, મનીષા મંડહરે અને પુણેની મનીષા વાઘમારએ નીટના વિદ્યાર્થીઓને એકઠા કર્યા હતા. પછી બંનેએ પુણેના મકાનમાં વિશેષ કોચિંગ ક્લાસ શરૂ કરીને તેઓને માહિતી આપી હતી. મનીષા વાઘમરેની 14 મેએ ધરપકડ કરવામાં આવી છે.

CBIનો દાવો છે કે આમાંથી મોટાભાગના પ્રશ્નો 3 મે, 2026 ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષામાં દર્શાવવામાં આવેલા વાસ્તવિક પ્રશ્નો સાથે મેળ ખાતા હતા. છેલ્લા 24 કલાકમાં, CBIએ દેશભરમાં છ સ્થળોએ દરોડા પણ પાડ્યા છે. આ કામગીરી દરમિયાન, ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો, લેપટોપ, બેંક સ્ટેટમેન્ટ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન જપ્ત કરાયેલ સામગ્રીની વિગતવાર તપાસ હાલમાં ચાલી રહી છે. નોંધનીય છે કે પેપર લીકના આરોપો બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ 3 મે, 2026 ના રોજ દેશભરમાં લેવામાં આવેલી NEET-UG પરીક્ષા રદ કરી હતી.

શિક્ષણ મંત્રાલય હેઠળના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે સીબીઆઈએ ૧૨ મે, ૨૦૨૬ ના રોજ પેપર લીક કેસના સંદર્ભમાં એફઆઈઆર નોંધી હતી. ત્યારબાદ, કેન્દ્રીય તપાસ એજન્સીએ દેશભરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવા માટે ખાસ ટીમો બનાવી અને અનેક શંકાસ્પદોની પૂછપરછ કરી. અત્યાર સુધીમાં, દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરથી આ કેસના સંદર્ભમાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમાંથી પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને સાત દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

દરમિયાન, ગઈકાલે ધરપકડ કરાયેલા બે આરોપીઓને પુણે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. સીબીઆઈએ જણાવ્યું છે કે અત્યાર સુધી કરવામાં આવેલી તપાસમાં માત્ર રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના પેપર લીક પાછળના મુખ્ય કાવતરાખોરોની જ નહીં, પરંતુ લાખો રૂપિયાના બદલામાં વિદ્યાર્થીઓને આ વિશેષ વર્ગોમાં પ્રવેશ આપવામાં મદદ કરનારા મધ્યસ્થીઓની પણ ઓળખ થઈ છે. આ કેસના સંદર્ભમાં, સીબીઆઈએ મહારાષ્ટ્રના લાતુરમાં રહેતા રસાયણશાસ્ત્રના શિક્ષક પી.વી. કુલકર્ણીની પણ ધરપકડ કરી છે.પી.વી. કુલકર્ણીને NEET-UG 2026 પેપર લીક કેસ પાછળનો કથિત માસ્ટરમાઇન્ડ માનવામાં આવી રહ્યો છે.