ગુજરાત
સુરતના કોસંબા નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, પતરાં ચીરીને 40 મુસાફરોના રેસ્ક્યૂ કરાયા
સુરતમાં આજે વહેલી સવારે રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. કોસંબા નજીક નેશનલ હાઇ-વે 48 પર મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. બસ અચાનક જ રોડથી નીચે ઘસી જતાં તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા. લોકોની ચીસો સાંભણીને રસ્તે જતાં અન્ય વાહનચાલકોએ પોતાનું વાહન રોકી ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બસના પતરાં ચીરીને 40 જેટલા મુસાફરોને સહીસલામત બહાર કાઢ્યા હતા. જોકે આ અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર ડ્રાઇવરને ઝોંકુ જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ ખાડીમાં ખાબકી હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને કોલ આવ્યો હતો કે. મુસાફરો ભરેલી એક ખાનગી લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકી ગઇ છે. જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મુસાફરોનું રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. જેમાં કેટલાક લોકો બસની કેબિનમાં ફસાય ગયા હતા જ્યારે કેટલાક લોકો બસના સોફામાં ફસાય ગયા હતા. જેના લીધે તમામ 40 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
અકસ્માતનો ભોગ બનેલી બસ રાજસ્થાનથી મુંબઇ જઇ રહી હતી આ દરમિયાન સુરતના કોસંબા નજીક આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બાદ બસ ડ્રાઇવર ભાગી ગયો હોવાની સંભાવના છે.